Get The App

ટીમ ઈન્ડિયામાં બે જગ્યા માટે 4 ક્રિકેટર્સ વચ્ચે સખત હરીફાઈ, કોણ મારી જશે બાજી?

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
indian cricket team shubman gill virat kohli mohammad shami


ભારત અને ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમો વચ્ચે આજે ત્રીજી T20 મેચ રમાશે. 5 મેચોની શ્રેણીમાં જો આ મેચ ભારત જીતશે તો શ્રેણી પોતાના નામે કરી લેશે અને જો ઝિમ્બાબ્વે જીતશે તો સિરીઝ 2-2 થી બરાબર થઈ જશે. આ સિરીઝ જીતવાની મથામણ વચ્ચે ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ વચ્ચે આપસમાં પણ રસપ્રદ જંગ જોવા મળશે. 

ઓપનિંગ જોડી માટે હરીફાઈ 

ભારતીય ક્રિકેટ ટીમમાં ઓપનિંગ સ્લોટમાં સ્થાન મેળવવાની હરીફાઈ બરાબર જામી છે. આ હરીફાઈમાં કેપ્ટન શુભમન ગિલની સાથે યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્મા સામેલ છે. જેમાં બે ડાબોડી અને બે જમણેરી બેટર્સ છે. 

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી T20 મેચ શનિવારે 13 જુલાઈના રોજ રમાવાની છે. અગાઉ ભારતે 29 જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને આ જીત બાદ તરત જ ભારતને એક-બે નહીં પરંતુ ત્રણ આંચકાઓ લાગ્યા હતા. પહેલા વિરાટ કોહલીએ T20 ફોર્મેટને અલવિદા કહ્યું અને ત્યારબાદ રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પણ આ ફોરમેટમાં પોતાની ટીમમાંથી જગ્યા ખાલી કરી આપી હટી. જેના કારણે ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં 2 જગ્યાઓ ખાલી પડી છે. ખાસ કરીને ઓપનિંગ સ્લોટમાં કે જ્યાં રોહિત જેવો ધરખમ ખેલાડી નિયમિત રીતે રમતો હતો. આ સ્લોટ પર કબજો કરવા માટે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ખેલાડીઓમાં સકારાત્મક સ્પર્ધા જોવા મળી રહી છે.

બે ડાબોડી બે જમણેરી પ્રતિસ્પર્ધી

રાઈડ હેન્ડ બેટર શુભમન ગિલ વર્તમાન ભારતીય ટીમનો કેપ્ટન છે જે બાકીના ત્રણ ઓપનિંગ ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માથી સિનિયર છે. ટેસ્ટ ફોર્મેટમાં, તેણે ઓપનિંગ છોડીને ત્રીજા નંબર પર બેટિંગ શરૂ કરી છે. પરંતુ વાઇટ બોલ ક્રિકેટમાં તે હજુ ઓપનિંગમાં જ રમતો દેખાય છે. રોહિત શર્માની નિવૃત્તિ બાદ શુભમન ટીમનો નિયમિત ઓપનર બનવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યો છે.

ઓપનિંગ સ્લોટ માટે યશસ્વી જયસ્વાલ અને અભિષેક શર્માની સરખામણીમાં ઋતુરાજ ગાયકવાડ પ્રમાણમાં નબળો લાગે છે. તેને ટીમમાં જગ્યા બનાવવા માટે વધુ મહેનત કરવી પડશે એવું લાગી રહ્યું છે. ઝિમ્બાબ્વે સામે ભલે અભિષેકને ઓપનિંગ અને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક મળી હોય, પરંતુ રિષભ પંતથી લઈને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર્સ ટીમમાં પરત ફરશે ત્યારે દેખીતી રીતે જ ટીમ કોમ્બિનેશન બદલાશે. ઋતુરાજ ગાયકવાડને પણ ત્રીજા અને ચોથા નંબર પર સરળતાથી સ્થાન મળવાનું નથી. 


જેમ જેમ આગામી T20 વર્લ્ડ કપ નજીક આવતો જશે તેમ ટીમ કોમ્બિનેશન બનાવવા માટે મહત્વના ખેલાડીઓને તક આપવામાં આવશે. આવી સ્થિતિમાં, જો ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયેલા યુવા ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલનું ટીમમાં સ્થાન નિશ્ચિત લાગી રહ્યું છે. શિવમ દુબે અને સંજુ સેમસન પણ મિડલ ઓર્ડરમાં મજબૂત દાવેદાર છે. પરંતુ યુવા ખેલાડીઓને સ્થાન મેળવવા માટે રાહ જોવી પડશે. અભિષેક શર્માની સદી બાદ તેણે પણ મજબૂત દાવેદારી નોંધાવી દીધી છે.

યશસ્વી જયસ્વાલ ઝિમ્બાબ્વે સામેની બે મેચ બાદ ભારતીય ટીમ સાથે જોડાયો હતો. યશસ્વીના આવતાની સાથે જ તેને ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ સ્લોટ મળી ગયો તો તેનાં કારણે બીજી ટી20 મેચમાં સદી ફટકારવા છતાં અભિષેક શર્મા ત્રીજા નંબર પર ધકેલાઈ ગયો હતો.

ભારતીય બેટિંગમાં આ સ્તરની હરીફાઈ જોતાં હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં કયા ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનું કાયમી સભ્યપદ લઈ શકે છે અને કોણ ખોવાઈ જશે.


Google NewsGoogle News