રોહિત શર્મા T20 વર્લ્ડકપ બાદ લેશે નિવૃત્તિ? ભારતીય કેપ્ટને પહેલીવાર જણાવી દીધો પ્લાન

Updated: May 16th, 2024


Google NewsGoogle News
રોહિત શર્મા T20 વર્લ્ડકપ બાદ લેશે નિવૃત્તિ? ભારતીય કેપ્ટને પહેલીવાર જણાવી દીધો પ્લાન 1 - image
Image : IANS

Rohit Sharma : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટુર્નામેન્ટ પૂરી થયા બાદ તમામ ક્રિકેટ ફેન્સની નજર આઈસીસી મેન્સ ક્રિકેટ T20 વર્લ્ડ કપ પર રહેશે. આગામી જૂનમાં રમાનાર T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ રમશે. જોકે છેલ્લા કેટલાય સમયથી રોહિત શર્મા પર તેની વધતી ઉંમરના કારણે નિવૃત્તિ લેવાનું દબાણ વધી રહ્યું છે. ત્યારે હવે ખુદ રોહિતે જ પોતાની નિવૃત્તિને લઈને મોટો ખુલાસો કર્યો છે.

રોહિતની નિવૃત્તિના સમાચારે વેગ પકડ્યો

જેમ જેમ T20 વર્લ્ડ કપ 2024 નજીક આવી રહ્યો છે, તેમ તેમ રોહિત શર્મા T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લેશે તેવા સમાચાર વેગ પકડી રહ્યા છે. રોહિત શર્માની ઉંમર 37ને વટાવી ગઈ છે, અને તેની વધતી જતી ઉંમરને કારણે લોકોએ તેના પર સંન્યાસ લેવાનું દબાણ શરૂ કરી દીધું છે. જો કે ભારતીય કેપ્ટને તેના ચાહકોને ખુશખબર આપતાં કહ્યું છે કે 'મારી હાલ સંન્યાસ લેવાની કોઈ યોજના નથી.' ઉલ્લેખનીય છે કે રોહિતે 2021માં ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની જગ્યા લીધી હતી. હવે તે કહે છે કે તેનામાં હજુ ઘણુ ક્રિકેટ રમવાનું બાકી છે.

'હું હજું વધુ રમાવા માંગુ છું' : રોહિત શર્મા

એક ઈન્ટરવ્યુમાં રોહિત શર્માએ કહ્યું કે, 'આ 17 વર્ષની સફર  શાનદાર રહી છે. હું હજુ થોડાક વર્ષ રમીને ક્રિકેટ જગત પર મારી છાપ છોડવા માંગુ છું. મારા દેશની કેપ્ટનશીપ કરતાં મોટું કોઈ ગર્વ કઈ નથી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એક દિવસ ભારતીય ટીમનો કેપ્ટન બનીશ. પરંતુ લોકો કહે છે કે સારા લોકો સાથે સારી વસ્તુઓ થાય છે.' રોહિત શર્માએ પોતાની વાત આગળ ચાલુ રાખતા કહ્યું કે, 'જ્યારે મેં ભારતીય ટીમની કમાન સંભાળી, ત્યારે હું ઈચ્છતો હતો કે દરેક વ્યક્તિ એક જ રીતે વિચારે અને આ રીતે ટીમ સ્પોર્ટ રમવી જોઈએ. હું પર્સનલ રેકોર્ડ બનાવવા વિશે વિચારતો નથી, એના કરતા અમે 11 ખેલાડીઓ ટ્રોફી જીતવા માટે સાથે મળીને શું કરી શકીએ તે વધુ મહત્વનું છે.'

રોહિતની કપ્તાનીમાં ભારતે ત્રણ ICC ટ્રોફી ગુમાવી

રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારત T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાંથી ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે હારીને બહાર થઇ ગયું હતું. જ્યારે 2021-2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારી ગઈ હતી. 2023 વનડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં, ભારત, ફેવરિટ હોવા છતાં, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારી ગયું હતું. રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ત્રણ વખત આઈસીસી ટૂર્નામેન્ટના નોકઆઉટ ઝોનમાં જઈને પણ ટ્રોફી જીતવામાં નિષ્ફળ ગઈ હતી.

T20 વર્લ્ડ કપ 2024માં કેપ્ટનશિપ કરશે

T20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં પહેલી જૂનથી શરૂ થઈ રહ્યું છે. આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્માને સોંપવામાં આવી છે. ઘણા ખેલાડીઓનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે, આવી સ્થિતિમાં રોહિત શર્મા ફરી એકવાર ICC ટ્રોફીથી વંચિત રહી શકે છે. જો કે ભારતીય ક્રિકેટ ફેન્સ આ વખતે ટીમ ઈન્ડિયાને ટ્રોફી જીતતા જોવા ઈચ્છે છે.


Google NewsGoogle News