Olympics 2024: ભૂખ્યા રહેવા મજબૂર ભારતીય ખેલાડીઓ! બહારથી ઓર્ડર કરવી પડી દાળ-રોટલી
Paris Olympics 2024: આજથી પેરિસ ઓલમ્પિક્સ 2024નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય ઍથ્લીટ્સ ઓલમ્પિક્સમાં ભાગ લેવા માટે પેરિસ પહોંચી ગયા છે. ભારતીય ઍથ્લીટ્સને માટે ત્યાં સાત સ્ટોરી બ્લોકમાં લગભગ 30 એપાર્ટમેન્ટ આપવામાં આવેલા છે. બહારથી તે ભારતીય તિરંગાના રંગમાં રંગાયેલા છે. શનિવારથી વાસ્તવિક રમતોની સ્પર્ધા શરુ થશે.
ઍથ્લીટ્સ ભોજનની સુવિધાથી બહુ ખુશ નથી
ભારતીય ઍથ્લીટ્સ ભોજનની સુવિધાથી બહુ ખુશ નથી. આ અંગે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે. ઍથ્લીટ્સ પોતાની પાસે રહેલા મર્યાદિત વિકલ્પોથી બહુ ખુશ નથી. ડાઇનિંગ એરિયામાં ગ્લોબલ ક્યુઝીન, હલાલ ફૂડ, એશિયન ભોજન અને ફ્રેન્ચ ફૂડ માટેના પાંચ અલગ-અલગ હોલ છે. ભારતની ડબલ બેડમિન્ટન સ્ટાર તનિષા ક્રાસ્ટોએ જણાવ્યું હતું કે, 'આજે જમવામાં રાજમા હતા. પરંતુ અમે ત્યાં પહોંચીએ તે પહેલાં જ તે ખતમ થઈ ગયા હતા. ભારતની બૉક્સર અંતિમ પંઘાલે પણ લંચ બહુ સારું ન હોવાનું જણાવ્યું. પંઘાલે પોતાની સહાયક ટીમને રાત્રે ભોજન માટે ભારતીય ભોજન દાળ રોટી ડિલિવરી કરવાનું કહ્યું હતું. તે છેલ્લાં કેટલાક દિવસથી આ રીતે જ પોતાની ભોજન વ્યવસ્થા કરી રહી છે.
આ પણ વાંચો: Samit Dravid: મોરના ઈંડા ચિતરવા ન પડે! રાહુલ દ્રવિડના દીકરાને મળ્યું ઈનામ, ધુરંધર ક્રિકેટર્સ સાથે રમવા મળશે
ભારત પાસે પસંદગીનો અધિકાર નથી
ઓલમ્પિકસમાં હજુ નબળી સ્થિતિમાં હોવાના કારણે ભારત પાસે પસંદગી કરવાનો કે ઍથ્લીટ્સ કઈ જગ્યાએ રહેવા માંગે છે તે પસંદ કરવાનો વિકલ્પ નથી. જો કે, કેટલાક મોટા દેશો ઍથ્લીટ્સ ક્યાં રહેવા માંગે છે તે પસંદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, ચીનને 'શાંતિ' જોઈતી હતી માટે તેમને ગામની નજીક સૌથી શાંત ખૂણામાં રહેવાની જગ્યા મળી. બ્રિટિશ ઍથ્લીટ્સ એક નાના ટાપુ પર રહે છે. યજમાન તરીકે, ફ્રાંસને પસંદગીની પહેલી તક મળી. તેણે તેની ત્રણ ઇમારતોને પોતાના રંગોમાં શણગારી હતી. અમેરિકન ઇચ્છતા ન હતા કે તેમના ઍથ્લીટ્સને ડાઇનિંગ હોલ સુધી ચાલીને જવું પડે. માટે તેમણે મુખ્ય ડાઇનિંગ હોલની બાજુમાં પોતાનું સ્થાન પસંદ કર્યું હતું
ટ્રાન્સપોર્ટ સેવા બરાબર નથી
ભારતની ડબલ બેડમિન્ટન સ્ટાર તનિષા ક્રાસ્ટોએ જણાવ્યું હતું કે, 'અહીં બધું શિડ્યુલ મુજબ ચાલી રહ્યું નથી. મેચના દિવસે હું ખૂબ વહેલી નીકળું છે કે જેથી મને મારી મેચ માટે મોડું ન થાય.' આ મુદ્દા ભારતીય દળના લીડર્સ-શેફ ડી મિશન ગગન નારંગ અને ડેપ્યુટી સીડીએમ શિવા કેશવન દ્વારા ઉઠાવવામાં આવ્યા છે.