ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથની થઈ જાહેરાત, આ ભારતીય મહિલા ક્રિકેટર પ્રથમવાર એવોર્ડ જીતી
પુરુષ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે આ એવોર્ડ જીત્યો છે
Image:Twitter |
ICC Player Of The Month : ICC દ્વારા આજે ICC પુરુષ અને મહિલા પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતનાર ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે. પુરુષ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે આ એવોર્ડ જીત્યો છે, જ્યારે મહિલા કેટેગરીમાં ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. દીપ્તિ શર્મા પ્રથમ વખત ‘ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ’ બની છે.
દીપ્તિ શર્માનું ડિસેમ્બરમાં કેવું રહ્યું પ્રદર્શન
દીપ્તિ શર્માએ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન કર્યું હતું અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દીપ્તિએ ડિસેમ્બર 2023માં 2 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 55ની એવરેજથી 165 રન બનાવ્યા અને 11 વિકેટ પણ ઝડપી હતી. આ દરમિયાન મહિલા T20Iમાં તેણે 3 મેચની 2 ઇનિંગ્સમાં 15 રન બનાવ્યા અને 2 વિકેટ ઝડપી હતી. જયારે ODIમાં તેણે 2 મેચમાં 45ની એવરેજથી રન બનાવ્યા અને 6 વિકેટ પણ લીધી હતી.
“એવોર્ડ માટે મારા નામની પસંદગી થવી સન્માનની વાત છે”
ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ બન્યા પછી દીપ્તિ શર્માએ કહ્યું, “ડિસેમ્બર માટે ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે મારું નામ પસંદ થવું એ સન્માનની વાત છે. હું અત્યારે મારી રમત વિશે ખૂબ જ સારું અનુભવું છું અને મને આનંદ છે કે ગયા મહિને મજબૂત વિરોધીઓ સામે ભારત માટે મારા પ્રદર્શનમાં તે પ્રતિબિંબિત થયું હતું. ભવિષ્યમાં મને આવી વધુ ક્ષણો મળી શકે તે માટે હું સખત મહેનત કરવાનું ચાલુ રાખીશ. હું આ પુરસ્કાર માટે પસંદ કરવા બદલ આભારી છું. દુનિયાભરના ચાહકોએ પણ મને વોટ આપ્યો. આ વસ્તુ તેને વધુ ખાસ બનાવે છે. આ એવોર્ડ જીતવામાં મને મદદ કરવા બદલ હું તેમનો અને મારા સાથીદારોનો આભાર માનું છું.”