Get The App

9483 રન અને 659 વિકેટ લેનારા ભારતીય ઓલરાઉન્ડરે જાહેર કરી નિવૃત્તિ, ભાવુક થઈને લીધી વિદાય

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
9483 રન અને 659 વિકેટ લેનારા ભારતીય ઓલરાઉન્ડરે જાહેર કરી નિવૃત્તિ, ભાવુક થઈને લીધી વિદાય 1 - image
image : instagram

Rishi Dhawan announces retirement : ભારતના સ્ટાર ઓલરાઉન્ડર ઋષિ ધવને અચાનક મર્યાદિત ઓવરોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ધવન લાંબા સમયથી ભારતીય ટીમથી બહાર હતો. જો કે, આ દરમિયાન તે સતત ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો હતો. હિમાચલ પ્રદેશનો 34 વર્ષીય ઓલરાઉન્ડર ભારત માટે છેલ્લીવાર 9 વર્ષ પહેલા વર્ષ 2016માં રમ્યો હતો.

નિવૃત્તિની જાહેરાત કરતા ઋષિ ધવને લખી ભાવુક પોસ્ટ 

હિમાચલ રાજ્યમાંથી ભારતીય ક્રિકેટ ટીમમાં રમનારો ધવન એકમાત્ર ખેલાડી છે. વિજય હજારે ટ્રોફીમાં આંધ્રપ્રદેશ સામેની અંતિમ લીગ મેચ રમ્યા બાદ ધવને રવિવારે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઋષિ ધવને પોતાની ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું ભારતીય ક્રિકેટ (મર્યાદિત ઓવર)માંથી નિવૃત્તિની જાહેરાત ભારે હૃદય સાથે કરી રહ્યો છું. જોકે મને કોઈ અફસોસ નથી. આ એક એવી રમત છે કે જેણે છેલ્લા 20 વર્ષથી મારા જીવનને વ્યાખ્યાયિત કર્યું છે. આ રમતે મને ઘણી ખુશીઓ અને અસંખ્ય યાદો આપી છે. જે હંમેશા મારા હૃદયની ખૂબ નજીક રહેશે. મને મળેલી આ તક માટે હું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો આભારી છું. સામાન્ય શરૂઆતથી લઈને મોટા પ્લેટફોર્મ પર દેશનું પ્રતિનિધિત્વ કરવા સુધી તે મારા માટે એક સૌભાગ્યની વાત હતી. મારા બધા ચાહકો તમે મારા માટે આ રમતના આત્મા છો. તમારો ઉત્સાહ અને નારાઓ મારા હૃદયની નજીક રહેશે. હું આ પ્રેમ અને વખાણને સાચવીને રાખીશ.'

ઋષિ ધવનની ક્રિકેટ કારકિર્દી 

વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયા સામેની વનડે મેચમાં ધવને પોતાનું ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે તેણે T20માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે 3 વનડે અને એક T20I મેચ રમી હતી. વનડેમાં તેણે ત્રણ મેચની બે ઇનિંગ્સમાં 12 રન બનાવ્યા હતા અને ત્યાં તેણે એક વિકેટ પણ લીધી હતી. T20 મેચમાં તેણે એક રન અને એક વિકેટ ઝડપી હતી. આ સિવાય IPLમાં ધવન વર્ષ 2013માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને વર્ષ 2014 થી 2024 સુધી પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 39 મેચની 24 ઇનિંગ્સમાં 19.09ની સરેરાશથી 210 રન બનાવ્યા હતા. બોલિંગમાં તેણે 36 ઇનિંગ્સમાં 35.64ની સરેરાશથી 25 વિકેટ ઝડપી હતા.

આ પણ વાંચો : શું ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમી શકે જસપ્રીત બુમરાહ? પીઠમાં ઈજા મુદ્દે જાણો શું છે અપડેટ

પોતાની ક્રિકેટ કારકિર્દીમાં કુલ 9483 રન અને 659 વિકેટ લીધી

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ધવને 98 મેચમાં 4824 રન અને 353 વિકેટ લીધી હતી. તેણે 134 લિસ્ટ-A મેચોમાં 2,906 રન અને 186 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 135 T20 મેચમાં 1740 રન અને 118 વિકેટ ઝડપી હતી. તેણે પોતાની પૂરી ક્રિકેટ કારકિર્દીમાં કુલ 9483 રન અને 659 વિકેટ લીધી હતી. વિજય હજારે ટ્રોફીની આ સિઝનમાં ધવને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 79.40ની શાનદાર સરેરાશથી 397 રન અને 28.45ની સરેરાશથી 11 વિકેટ લીધી હતી.9483 રન અને 659 વિકેટ લેનારા ભારતીય ઓલરાઉન્ડરે જાહેર કરી નિવૃત્તિ, ભાવુક થઈને લીધી વિદાય 2 - image



Google NewsGoogle News