ઓલિમ્પિકમાં ગજબ સંયોગ! 12 વર્ષ પહેલાં આજના દિવસે જ ભારતને શૂટિંગમાં મળ્યો હતો બ્રોન્ઝ મેડલ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
gagan narang manu bhaker bronze medal


Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ મળતાં જ ભારતને બે મેડલ મળી ગયા છે. ઓલિમ્પિકમાં આજે ચોથા દિવસે ભારતીય ઍથ્લીટ્સ દેશ માટે વધુ મેડલ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યા હતા. જેમાં ભારતને એર પિસ્તોલ મિક્સ ડબલ્સ શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. હરિયાણાની મનુ ભાકરે ભારતને બીજો મેડલ અપાવ્યો હતો. સાથી શૂટર સરબજોત સિંહ સાથે મળીને તેણે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતી બતાવ્યો છે અને આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. 

આજથી 12 બાર વર્ષ પહેલાં...

જો કે સંયોગની વાત એ છે કે આજથી 12 વર્ષ પહેલાં આજના જ દિવસે ગગન નારંગે ભારતને લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. સદ્ભાગ્યે તે હાલ ભારતની ઓલિમ્પિક ટીમના CDM એટલે કે ચીફ ડિ મિશન છે. ગગને પોતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ વાત જણાવી હતી અને મનુ અને સરબજોતને અભિનંદન પાઠવ્યા હતા. ગગન નારંગે 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મનુ ભાકર અગાઉ 10 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. હરિયાણાની આ 22 વર્ષીય ખેલાડીએ ઇતિહાસ રચી દીધો છે. મનુ ભાકરે આ ઇવેન્ટમાં ખૂબ જ ધીરજ રાખી હતી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સતત પ્રભુત્વસભર રમત બતાવી હતી. સરબજોત સિંહ પણ હરિયાણાનો 22 વર્ષીય ઍથ્લીટ છે.

આ પણ વાંચો: મનુ ભાકર અને સરબજોત સિંહે રચ્યો ઇતિહાસ, મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો

ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હોને 16-10થી હરાવ્યું હતું. ભારતે આઠ રાઉન્ડ જીત્યા હતા જ્યારે દક્ષિણ કોરયાએ પાંચ રાઉન્ડ જીત્યા હતા. આ સ્પર્ધામાં 16 પોઇન્ટ મેળવનારી પ્રથમ ટીમ જીતે છે. આ સાથે મનુ ભાકરે ઇતિહાસ રચ્યો છે. તે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. નોર્મન પ્રિચાર્ડે વર્ષ 1900માં બે મેડલ જીત્યા હતા, પરંતુ તેઓ મૂળ બ્રિટિશ હતા. મનુ ભાકર આવું કરનાર પ્રથમ ભારતીય છે. મનુ પહેલાં આઝાદ ભારતના કોઈપણ ઍથ્લીટે અગાઉ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા ન હતા. સરબજોત સિંહનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. બ્રોન્ઝ મેડલ માટેની હરીફાઈમાં તેઓની શરુઆત સારી નહોતી રહી. પ્રથમ રાઉન્ડમાં તેઓનો પરાજય થયો હતો પરંતુ ત્યાર બાદ તેમણે શાનદાર વાપસી કરતાં ઉપરાઉપરી ત્રણ રાઉન્ડ અને આખરે ટોટલ પોઇન્ટમાં પણ લીડ લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  મનુએ પોતાના પરિવાર અને દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે. તે શૂટિંગની વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં પણ મેડલ જીતનાર એકમાત્ર મહિલા બની હતી. 

Google NewsGoogle News