ભારતે ઘરઆંગણે સતત 17મી શ્રેણી જીતી : ઈંગ્લેન્ડ 'ક્લીન બોલ્ડ'
- ચોથી ટેસ્ટમાં પાંચ વિકેટે વિજય સાથે ભારતની 3-1ની સરસાઈ
- ગીલ (52*) અને પ્લેયર ઓફ ધ મેચ જુરેલે (39*) 192 રનનો ટારગેટ પાર પાડયો
- એક તબક્કે 120 રનમાં પાંચ વિકેટના સ્કોર વખતે ભારત ભારે તણાવ હેઠળ આવી ગયેલું
રાંચી : ભારતે આજે ઈંગ્લેન્ડને પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટમાં પાંચ વિકેટથી પરાજય આપીને ૩-૧ની સરસાઈ સાથે શ્રેણી વિજય નિશ્ચિત કરી લીધો છે. ભારતની આજે ચોથા દિવસની રમતમાં કસોટી થઈ હતી અને એક તબક્કે ૧૯૨ રનના ટાર્ગેટ સામે ૧૨૦ રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી ત્યારે ગીલે ૧૨૪ બોલમાં બે છગ્ગા સાથે ૫૨ અણનમ અને પ્લેયર ઓફ ધ મેચ વિકેટકિપર બેટ્સમેન જુરેલે ૭૭ બોલમાં બે ચોગ્ગા સાથે અણનમ ૩૯ રન ફટકારી ભારે તનાવ વચ્ચે ૭૨ રનની છઠ્ઠી વિકેટની અણનમ ભાગીદારી નોંધાવી ભારતને પાંચ વિકેટથી વિજય અપાવ્યો હતો.
ત્રીજા દિવસના રમતના અંતના વિના વિકેટે ૪૦ રનથી આગળ રમતા ભારતે ૮૪ રને જયસ્વાલ (૩૭)ની વિકેટ ગુમાવી હતી તે પછી પણ ૧ વિકેટે ૯૯ રનનો સ્કોર હોઈ ભારત નિશ્ચિંત બનીને આગેકૂચ કરી રહ્યું હતું. રોહિત શર્મા (૫૫) તે સ્કોરે આઉટ થયો.
વધુ એક રન ઉમેરાયો અને રજત પાટીદાર છ બોલ રમીને ૦ રને આઉટ થયો તો પણ ભારતના કેમ્પમાં તે હદે તનાવ નહોતો પણ ૨૦ વર્ષીય જમણેરી ઓફ સ્પિનર બશીરે જાડેજા (૩૩ બોલમાં ૪) અને સરફરાઝ ખાન (૦, એક બોલ)ને બે બોલમાં આઉટ કરીને ભારતીય કેમ્પમાં સોંપો પાડી દીધો હતો.
હજુ ભારતને જીતવા માટે ૭૨ રનની જરૂર હતી અને વધુ એક વિકેટ ઝડપથી પડી હોત ભારત હારી પણ શકે તેવો માહોલ હતો. ઈંગ્લેન્ડના સ્પિનરો અને ફિલ્ડરો પણ ભારે આક્રમક મૂડમાં હતા. ત્યારે ગીલ કે જે શ્રેણીમાં સાતત્યભર્યા ફોર્મ માટે સંઘર્ષ કરતો હતો તેને ધુ્રવ જુરેલનો સાથ મળ્યો.
ગીલે તેની આક્રમક શૈલીથી વિપરીત ખૂબ જ આદર જન્મે તેમ સ્પિનરો સામે ફૂટવર્ક બતાવી બાજી સંભાળી હતી. તો બીજી તરફ પ્રથમ ઈનિંગમાં ૯૦ રન નોંધાવી ઈંગ્લેન્ડને નિર્ણાયક મોટી લીડથી દૂર રાખનાર જુરેલે પણ ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સની તમામ યોજનાઓનો મક્કમ પ્રતિકાર કર્યો હતો.
બશીરે ૭૯ રનમાં ૩ વિકેટ ઝડપી હતી.
એવું લાગ્યું કે ત્રીજા દિવસની રમતના અંતે વિના વિકેટે ૪૦ રન ભારતે નોંધાવ્યા હતા તે ખૂબ જ કામ લાગ્યા.
ઈંગ્લેન્ડને ૧૪૫ રનમાં ખખડાવતી કુલદિપ યાદવની બીજી ઈનિંગમાં ચાર અને અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી તે પણ વિજય માટે નિર્ણાયક હતી.
સળંગ શ્રેણી વિજયનો રેકોર્ડ
ટીમ |
શ્રેણી જીત |
સમયગાળો |
ભારત |
૧૭ |
૨૦૧૩-૨૦૨૪ |
ઓસ્ટ્રેલિયા |
૧૦ |
૧૯૯૪-૨૦૦૧ |
ઓસ્ટ્રેલિયા |
૧૦ |
૨૦૦૪-૨૦૦૮ |
વિન્ડિઝ |
૮ |
૧૯૭૬-૧૯૮૬ |
ન્યુઝીલેન્ડ |
૮ |
૨૦૧૭-૨૦૨૧ |