India vs Zimbabwe T20: કેપ્ટન શુભમન ગિલ પ્લેઇંગ 11માં કરશે મોટા ફેરફાર, બીજી મેચમાં રમશે આ ધુરંધર
India vs Zimbabwe T20 Match: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે યોજાનારી પાંચ મેચોની ટી20 સિરિઝનો આજે બીજો મુકાબલો (7 જુલાઈ) હરારેમાં રમાવાનો છે. ભારતીય ટીમને પહેલા મુકાબલામાં ઝિમ્બાબ્વેએ 13 રનથી હરાવી હતી. જેથી હવે ટીમ ઈન્ડિયા ગમે-તેમ આ મુકાબલો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે. સાંજે 4.30 વાગ્યે મેચ શરૂ થશે. બેંને ટીમોના પ્લેઈંગ-11 પર પણ ચાહકોની નજર રહેશે.
આ ખેલાડી ડેબ્યૂ કરી શકે છે
ભારતીય ઝડપી બોલર હર્ષિત રાણા આ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. હર્ષિતની પસંદગી પ્રથમ બે મેચ માટે જ થઈ છે. તેથી ટીમ મેનેજમેન્ટ ચોક્કસપણે તેને તક આપવા માંગશે. હર્ષિત નીચલા ક્રમમાં સારી એવી બેટિંગ કરી શકે છે, તેથી તે આ મેચમાં ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે છે. હર્ષિત રમવાના કિસ્સામાં મુકેશ કુમાર કે આવેશ ખાને બહાર રહેવું પડી શકે છે. રિયાન પરાગ, અભિષેક શર્મા અને ધ્રુવ જુરેલ પોતાની ડેબ્યુ મેચમાં ફ્લોપ રહ્યા હતા. જો કે આ ત્રણેયને આ મેચમાં પણ તક મળે તેવી શક્યતા છે. બીજી તરફ ઝિમ્બાબ્વેની પ્લેઈંગ-11માં કોઈ ફેરબદલની કોઈ શક્યતા નથી.
કેપ્ટન શુભમન ગિલ બીજી ટી20 મેચમાં અભિષેક શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે. અભિષેક પ્રથમ ટી20માં ખાતું પણ ખોલી શક્યો ન હતો. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. જ્યારે રિયાન પરાગ ચોથા અને રિંકુ સિંહ પાંચમા નંબર પર આવી શકે છે. લેગ સ્પિનર રવિ બિશ્નોઈ અને સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ આ મેચમાં સારું પ્રદર્શન કરી શકે છે. બીજી તરફ ઝિમ્બાબ્વેએ પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ઘરઆંગણે ચાહકોને ઉજવણીનો મોકો આપ્યો હતો. આઈપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા સિકંદર રઝા આ મેચમાં પણ ભારત માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. રઝાએ પ્રથમ T20માં ત્રણ વિકેટ લઈને ભારતીય ટીમને હારવા મજબૂર કરી હતી.
મેચ સ્કોર
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધીમાં 9 T20 મેચ રમાઈ છે. આ 9 મેચોમાંથી ભારતે 6માં જીત મેળવી છે જ્યારે ઝિમ્બાબ્વે 3 મેચમાં વિજયી બન્યું છે. બંને દેશો વચ્ચે કુલ 66 ODI મેચ રમાઈ છે જેમાં ભારત 54 વખત જીત્યું છે, ઝિમ્બાબ્વે 10 વખત જીત્યું છે અને 2 મેચ ટાઈ રહી છે. જ્યારે કુલ 11 ટેસ્ટ મેચોમાં ભારત 7 વખત જીત્યું છે, ઝિમ્બાબ્વે 2 વખત જીત્યું છે અને 2 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. T20 ઈન્ટરનેશનલમાંથી રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસ બાદ ભારતીય ટીમ આ સિરિઝ જીતીને નવી શરૂઆત કરવા માંગે છે. આ સિરિઝ માટે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં શુભમન ગિલ આ સિરિઝની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
ભારતના સંભવિત પ્લેઈંગ-11: શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, હર્ષિત રાણા, ખલીલ અહેમદ.
ઝિમ્બાબ્વેના સંભવિત પ્લેઈંગ-11: વેસ્લી માધવેરે, ઈનોસન્ટ કૈયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન મસાકાડઝા, લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, ટી.
ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ (જુલાઈ 2024)
6 જુલાઈ - પ્રથમ T20, હરારે
7 જુલાઈ - બીજી T20, હરારે
10 જુલાઈ- ત્રીજી ટી20, હરારે
13 જુલાઈ- ચોથી T20, હરારે
14 જુલાઈ - પાંચમી T20, હરારે