Get The App

ઝિમ્બાબ્વે બાદ આ ટીમ સામે સીરિઝ રમશે ભારત, સ્ટાર ગુજરાતી ખેલાડીને કેપ્ટન બનાવાય તેવી શક્યતા

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
Hardik Pandya With Axar Patel



Team India July Schedule: ટીમ ઈન્ડિયા હાલ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, જ્યાં ટી20 મેચોની સીરિઝ રમાઈ રહી છે. હાલ આ સીરિઝની બે મેચો રમાઈ છે, જેમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી છે. હજુ ત્રણ મેચ બાકી છે. આ સીરિઝ બાદ ભારતીય ટીમ આ મહિને વધુ એક સીરિઝ રમવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ સીરિઝમાં T20 વર્લ્ડ કપ 2024ની ટીમના ખેલાડીઓ પણ ભાગ હશે. આ વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય ટી20 ફોર્મેટમાં ભારતનો આગામી કેપ્ટન કોણ હશે તે પણ જાણવા મળશે.


ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચોની સીરિઝ જુલાઈમાં જ યોજાશે

T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતનારા મોટાભાગના ભારતીય ખેલાડીઓ હાલ આરામ પર છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ હવે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે, પરંતુ બાકીના ખેલાડીઓ ટૂંક સમયમાં પરત ફરશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી T20 મેચ 10 જુલાઈએ રમાશે. આ પછી, છેલ્લી બે મેચ પણ 13 અને 14 જુલાઈએ યોજાશે. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા ભારત પરત ફરશે. ત્યારે જુલાઈમાં જ ભારત અને શ્રીલંકા વચ્ચે પણ ટી-20 સીરિઝ રમાવાની છે. આ માટે ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે જશે. જો કે આ સીરિઝનું સત્તાવાર શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ હાલ સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે.


આ પ્રકારનું હોઈ શકે છે શેડ્યૂલ

હાલ ક્રિકેટ નિષ્ણાતો વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 27મી જુલાઈએ, બીજી મેચ 28 જુલાઈએ, ત્યાર બાદ ત્રીજી અને છેલ્લી મેચ 30 જુલાઈએ રમાઇ શકે છે. આ સીરિઝમાં માત્ર ત્રણ T20 મેચ રમાશે. આ માટે ટીમની જાહેરાત થવાની બાકી છે. હાલમાં ઝિમ્બાબ્વે શ્રેણી માટે સુકાનીપદની જવાબદારી શુભમન ગિલ પાસે છે. પરંતુ શક્યતા છે કે હાર્દિક પંડ્યા શ્રીલંકા શ્રેણીમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. જસપ્રિત બુમરાહ, ઋષભ પંત અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓ પણ આ શ્રેણીમાં જોવા મળી શકે છે.


ઓગસ્ટમાં શ્રીલંકા સામે વનડે શ્રેણી પણ રમાશે

શ્રીલંકા શ્રેણી દરમિયાન ત્રણ વનડે મેચો પણ યોજાવાની છે, જે 2 થી 7 ઓગસ્ટ વચ્ચે રમાઈ શકે છે. આ વનડે શ્રેણી ઘણી મહત્વની રહેશે. કારણ કે વિરાટ કોહલી, રોહિત શર્મા આ શ્રેણીમાં જોવા મળી શકે છે. આ સીરિઝની ટીમ પણ હજુ જાહેર થવાની બાકી છે. માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા આ સીરીઝની કેપ્ટનશીપ કરી શકે છે. આ સીરીઝ એટલા માટે મહત્વની રહેશે કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન થવાનું છે, જે ODI ફોર્મેટ પર હશે. ટીમ ઈન્ડિયા અને BCCI આ સિરીઝથી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ શરૂ કરવાનો પ્રયાસ કરશે.


Google NewsGoogle News