નવા કેપ્ટન, નવા કોચ.... ભારત-શ્રીલંકા T20 શ્રેણીમાં દેખાશે આ 5 નવી બાબતો

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
SL vs IND Series


SL vs IND Series : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 27 જુલાઈ (શનિવાર)ના રોજ પલ્લેકલેથી શરૂ થશે. આજની પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. શ્રીલંકા સમેની શ્રેણી અનેક રેકોર્ડ સર્જશે. રસપ્રદ વાત એ છે કે બંને ટીમોનું સુકાન નવા કેપ્ટન કરતા જોવા મળશે. એટલું જ નહિ બંને ટીમોના કોચ પણ નવા છે. ભારત તરફથી બે વખતના વર્લ્ડકપ વિજેતા ગૌતમ ગંભીર મુખ્ય કોચ તરીકે પોતાની કારકીર્દિ શરૂ કરશે, જ્યારે સૂર્યકુમાર યાદવ આ ટૂંકા ફોર્મેટમાં કેપ્ટન તરીકે પોતાની નવી ઇનિંગની શરૂઆત કરશે.

ભારતીય ટીમ માટે આ T20 સીરિઝ ઘણી મહત્વની છે. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડ સાથે ભારતીય મેન્સ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23, ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના ફાઈનલમાં પહોંચીને રનર અપનું સ્થાન મેળવ્યું હતુ, જ્યારે T20 વર્લ્ડ કપ 2024માં તો વિજેતા પણ રહી હતી. વર્લ્ડચેમ્પિયન લેવલેથી હવે ટીમને દરેક ફોર્મેટમાં વિશ્વની શ્રેષ્ઠ બનાવવાની જવાબદારી નવા મુખ્ય કોચ ગંભીરના શિરે છે.

જોકે સામે પક્ષે શ્રીલંકાની ટીમ પણ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને ભારત સામે લડવા ઉત્સુક છે. દેખીતી રીતે India vs Sri Lankaની આ T20 સીરિઝમાં પાંચ નવી વસ્તુઓ જોવા મળશે.

બંને ટીમોમાં નવા કેપ્ટન :

T20 વર્લ્ડકપ 2024 જીતવાની સાથે ભારતના બે દિગ્ગજ રોહિત અને કોહલીની જોડીએ આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. ભારતના ટી20 કેપ્ટન રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી છે. તેથી સૂર્યકુમાર યાદવને શ્રીલંકા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ શ્રીલંકાની ટીમે ઓલરાઉન્ડર ચરિથ અસલંકાને ટી-20 શ્રેણી માટે કેપ્ટન તરીકે નિયુક્ત કયો છે. ટી20 વર્લ્ડ કપ 2024માં ખરાબ પ્રદર્શનને કારણે ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાએ શ્રીલંકાની ટી20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી.

બંને ટીમોમાં નવા કોચ :

રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024ના અંત સાથે સમાપ્ત થયો છે. દ્રવિડ બાદ ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા છે અને આ તેમની પ્રથમ પરીક્ષા છે. બીજી તરફ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (SLC)એ પૂર્વ ઓપનર સનથ જયસૂર્યાને પોતાની ટીમના વચગાળાના કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શ્રીલંકાના ઈંગ્લેન્ડ પ્રવાસ સુધી જયસૂર્યા આ પદ પર રહેશે.

વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024માં ટાઇટલ જીતવાની સાથે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને અલવિદા કહી દીધુ છે. આ બંને મહાન ખેલાડીઓ વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે. T20 ઈન્ટરનેશનલમાંથી કોહલી-રોહિતની નિવૃત્તિ બાદ ભારતીય ટીમ પ્રથમ વખત શ્રીલંકા પહોંચી છે. 

એક જ ગ્રાઉન્ડ પર 3 T20 મેચ

શ્રીલંકા પ્રવાસ પર આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ટીમ T20 સીરિઝની તમામ મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં(Pallekele International Cricket Stadium) રમશે. આ પહેલા 7 ઓગસ્ટ 2012ના રોજ આ મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે 39 રને શાનદાર જીત મેળવી હતી.

T20 ચેમ્પિયન તરીકે શ્રીલંકા સામે ભારતની પ્રથમ સીરિઝ 

ભારતીય ટીમ T20 વિશ્વ ચેમ્પિયન તરીકે શ્રીલંકા સામે એક કરતા વધુ મેચની T20 સીરિઝ રમવા જઈ રહી છે. અગાઉ, 10 ફેબ્રુઆરી 2009ના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ રમાઈ હતી, જેમાં ભારતનો ત્રણ વિકેટે વિજય થયો હતો. તે સમયે પણ ભારતીય ટીમ T20માં વર્લ્ડ ચેમ્પિયન હતી. 

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની T20 ટીમ

  • સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
  • શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન)
  • યશસ્વી જયસ્વાલ
  • રિંકુ સિંઘ
  • રિયાન પરાગ
  • ઋષભ પંત (વિકેટકીપર)
  • સંજુ સેમસન (વિકેટકીપર)
  • હાર્દિક પંડ્યા
  • શિવમ દુબે
  • અક્ષર પટેલ
  • વોશિંગ્ટન સુંદર
  • રવિ બિશ્નોઈ
  • અર્શદીપ સિંહ
  • ખલીલ અહેમદ 
  • મોહમ્મદ સિરાજ

શ્રીલંકાની 16 સભ્યોની ટી-20 ટીમ

  • ચરિથ અસલંકા (કેપ્ટન) (Charith Asalanka )
  • પથુમ નિસાન્કા (Pathum Nissanka)
  • કુસલ પરેરા (Kusal Perera ,wicket-keeper)
  • અવિષ્કા ફર્નાન્ડો (Avishka Fernando)
  • કુસલ મેન્ડિસ (Kusal Mendis) 
  • દિનેશ ચંદીમલ (Dinesh Chandimal, wicket-keeper) 
  • કામિન્દુ મેન્ડિસ(Kamindu Mendis)
  • દાસુન શનાકા (Dasun Shanaka)
  • વાનિન્દુ હસરાંગા (Wanindu Hasaranga)
  • દુનિથ વેલાલાગે (Dunith Wellalage)
  • મહીશ તીક્ષ્ણા(Maheesh Theekshana) 
  • ચામિંદુ વિક્રિમસિંઘે ( Chamindu Wickramasinghe)
  • મથીશા પથિરાના (Matheesha Pathirana)
  • દિલશાન મદુશંકા (Dilshan Madushanka)
  • અસિથા ફર્નાન્ડો (Asitha Fernando)
  •  બિનુરા ફર્નાન્ડો (Binura Fernando)

ભારત-શ્રીલંકા શેડ્યૂલ

  • 27 જુલાઈ - 1લી T20, પલ્લેકેલ (Pallekele)
  • 28 જુલાઈ - બીજી T20, પલ્લેકેલ (Pallekele) 
  • 30 જુલાઈ - 3જી T20, (Pallekele)
  • 2 ઓગસ્ટ - 1લી ODI, કોલંબો
  • 4 ઓગસ્ટ - બીજી ODI, કોલંબો

Google NewsGoogle News