IND vs SL: સૂર્યકુમાર અને જયસ્વાલ નહીં રમે, ભારતીય ટીમમાં 6 દિગ્ગજ ક્રિકેટરોની વાપસી, જુઓ કેવી છે વન ડે ટીમ
IND vs SL: ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે શ્રીલંકા સામે વનડે શ્રેણી રમશે. સૂર્યકુમારની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 શ્રેણીમાં યજમાન ટીમને ત્રણેય મેચમાં હરાવી દીધી હતી. આજથી બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. જો કે, વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવ નહીં પરંતુ રોહિત શર્મા કરશે.
T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વખત કોઈ શ્રેણીમાં રમશે. રોહિતે T20 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ બ્રેક લીધો હતો. તે અને સાથી ખેલાડી વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓ ફરીથી ટીમ ઈન્ડિયા માટે રમવા અને ટીમને જિતાડવા તત્પર છે. શ્રીલંકન ટીમ પણ ટ્વેન્ટી ટ્વેન્ટી શ્રેણીનો બદલો લેવાનો અને ભારતને હરાવવાનો પ્રયાસ કરશે. આ શ્રેણીમાં લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, વિરાટ અને રોહિત અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ રમતા દેખાશે, વન-ડે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ વન-ડે ફોરમેટમાં ફોર્મ મેળવવા અને ટીમને શ્રેણી જિતાડવા ઉતરશે.
કયા 6 ક્રિકેટર્સ થશે ટીમમાંથી બહાર?
T20 શ્રેણીનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ, યશસ્વી ડાબોડી ઓપનર જયસ્વાલ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રવિ બિશ્નોઇ અને રિંકુ સિંહ આ 6 ખેલાડીઓ ટીમમાંથી બહાર થશે. તેઓ વન ડે શ્રેણીની સ્કવોડનો ભાગ નથી.
કોણ થશે ટીમમાં સામેલ?
કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, શ્રેયસ ઐય્યર ટીમમાં વાપસી કરશે. આ ક્રિકેટર્સ 2023 વન ડે ક્રિકેટ વર્લ્ડકપની ટીમમાં બધી જ 11 મેચ રમ્યા હતા. આ સિવાય IPLનો સ્ટાર બોલર હર્ષિત રાણા પણ ટીમમાં નવો હશે.
T20 શ્રેણીમાંથી કોણ ફરી રમશે?
તાજેતરની T20 શ્રેણીમાં રિષભ પંત, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ વન-ડે શ્રેણીમાં રમશે.
આજે 2:30 વાગ્યે પહેલી મેચ
ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચેની શ્રેણીની પ્રથમ ODI મેચ આજે શુક્રવારે (02 ઓગસ્ટ) કોલંબોના R પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.
આ પણ વાંચો: T20 બાદ હવે વન-ડે શ્રેણી, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બદલાશે, જાણો ક્યારે રમાશે ભારતની મેચ
ત્રણેય વન-ડે કોલંબોમાં રમાશે
શ્રેણીની બીજી વનડે 4 ઓગસ્ટે રમાશે, જ્યારે ત્રીજી અને છેલ્લી વનડે મેચ 7 ઓગસ્ટે કોલંબોમાં રમાશે. શ્રીલંકાની કેપ્ટન્સી ચરિત અસલંકાના હાથમાં છે. ક્રિકેટ શ્રીલંકાએ અસલંકાને T20 બાદ ODI શ્રેણી માટે કેપ્ટન બનાવ્યો છે. ભારતીય ટીમ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ શ્રીલંકા પહોંચી છે. જ્યારે શ્રીલંકન ટીમને સનથ જયસુર્યાનું માર્ગદર્શન મળી રહ્યું છે.
India vs Sri lanka ODI ટીમ
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.
શ્રીલંકા: ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, સાદિરા સમરાવિક્રમા, કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાગે, નિશાન મદુષ્કા. વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલેજ, ચમિકા કરુણારત્ને, મહેશ થેક્ષાના, અકિલા ધનંજય, દિલશાન મદુશંકા, મથિશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો.