ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેને રોહિત શર્માની કપ્તાની પર ઉઠાવ્યા સવાલો! કોહલીના કર્યા વખાણ
ભારત બે વખત ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમ્યું છે પરંતુ જીત્યું એકપણ નથી
Image:File Photo |
IND vs SA Test Series : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી કૃષ્ણમાચારી શ્રીકાંતે મોટું નિવેદન આપ્યું હતું. શ્રીકાંતે તેના નિવેદનમાં ભારતીય ટીમના હારનું કારણ જણાવ્યું છે. તેણે એક તરફ જ્યાં રોહિત શર્માની કપ્તાની પર સવાલો ઉઠાવ્યા હતા તો બીજી તરફ વિરાટ કોહલીની કપ્તાનીના વખાણ કર્યા હતા.
શ્રીકાંતે રોહિત શર્માની કપ્તાની પર ઉઠાવ્યા સવાલો
શ્રીકાંતે ભારતીય ટીમને લઈને કહ્યું કે, ‘એમાં કોઈ શંકા નથી કે ભારત એક મજબૂત ટીમ છે, પરંતુ T20 અને ટેસ્ટમાં ભારતને ઓવરરેટ કરવામાં આવ્યું છે. ભારતીય ટીમ T20 અને ટેસ્ટમાં એટલી મજબૂત ટીમ નથી જેટલી કહેવામાં આવી રહી છે. તેણે કહ્યું કે ભારતીય ટીમનો એ જમાનો હતો જ્યારે વિરાટ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો. વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતી હતી, આ સિવાય ભારતે ઈંગ્લેન્ડમાં પણ જીત મેળવી હતી. આ બધું વિરાટ કોહલીની કેપ્ટનશીપ દરમિયાન થયું હતું. કોહલીના નેતૃત્વમાં ભારતે સાઉથ આફ્રિકામાં સંઘર્ષ કર્યો હતો, પરંતુ હવે સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આનાથી સ્પષ્ટ છે કે શ્રીકાંત રોહિતની કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવી રહ્યા છે.
‘ભારત ટેસ્ટ ચેમ્પિયનશીપમાં એકપણ વખત જીત્યું નથી’
શ્રીકાંતે કહ્યું કે ICC રેન્કિંગમાં ભારતનું વર્ચસ્વ રહ્યું છે. છેલ્લા 3-4 વર્ષમાં ભારત ICC રેન્કિંગમાં હંમેશા પહેલા અથવા બીજા સ્થાને રહ્યું છે. પરંતુ અમારે આ રેન્કિંગથી ઉપર થવાની જરૂર છે. જો ભારત ICC રેન્કિંગમાં નંબર-1 છે એનો અર્થ એ નથી કે અમે ખુબ મજબુત ટીમ છીએ. એક સારી ટીમ બનવા માટે અમારે રેન્કિંગથી ઉપર ઉઠવાની જરૂર છે. જો કે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત બંને વખત ફાઈનલ રમ્યું છે પરંતુ જીત્યું એકપણ વખત નથી.