IND vs PAK: આજે ટીમ ઈન્ડિયા પાસે પાકિસ્તાન સાથે જૂનો હિસાબ સરભર કરવાની તક, જાણો કેવી હશે પિચ
Champions Trophy 2025 માં દુબઈમાં આજે ભારત અને પાકિસ્તાન ( IND vs PAK ) વચ્ચે હાઇ વૉલ્ટેજ મેચ રમાવવાની છે ત્યારે આ મેચને લઈને ક્રિકેટ ચાહકોના મનમાં ઘણા પ્રશ્નો હશે. આ મેચમાં બંને ટીમના સંભવિત ખેલાડીઓ, પિચ રિપોર્ટ, હવામાન અને ટેલિકાસ્ટને લગતા તમામ પ્રશ્નોના ઉત્તર મેળવો.
છેલ્લે ક્યારે થઈ હતી ટક્કર?
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ટુર્નામેન્ટમાં 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં લંડનના ઓવલ મેદાનમાં ટક્કર થઈ હતી. જેમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો કે ત્યાર પછી ICC ઇવેન્ટમાં ભારતે અનેક વખત પાકિસ્તાનને હરાવ્યું છે પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં મળેલી એ હારનો બદલો ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ લેવા માટે ટીમ ઈન્ડિયા ઉત્સુક છે.
આજના મેચની ખાસ વાતો:
- ટીમ ઈન્ડિયા દુબઈમાં પાકિસ્તાન સામે વન-ડે વિજયની હેટ્રીક સર્જવાના ઈરાદા સાથે ઉતરશે
- આજે ટીમ ઈન્ડિયા જીતે તો સેમિફાઇનલમાં એન્ટ્રી લગભગ નિશ્ચિત, પાકિસ્તાન હારે તો બહાર ફેંકાવવાનો ભય
- આજે ભીડના કારણે ખચાખચ ભરેલું હશે દુબઈનું સ્ટેડિયમ, ગણતરીની મિનિટોમાં સોલ્ડ આઉટ થઈ હતી ટિકિટો
- ICC વનડે ટૂર્નામેન્ટ્સમાં પાકિસ્તાન સામે ભારતનું પલડું ભારે, 13માંથી 10 મેચો જીતી
- પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલી 15 રન બનાવે તો વનડેમાં 14 હજાર રન પૂર્ણ કરવાનો રેકોર્ડ સર્જાશે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાસે રેકોર્ડ સરભર કરવાની તક
આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 5 વખત ટક્કર થઈ છે. જેમાં 3 મેચોમાં પાકિસ્તાન જીત્યું છે જ્યારે બે મેચોમાં ભારત જીત્યું છે. જો ભારત વધુ એક મેચ જીતે તો આ ચેમ્પિયન્સ ટ્રોફીનો રેકોર્ડ સરભર કરવાની તક મળશે.
ક્યાં અને ક્યારે રમાશે મેચ?
આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 2:30 વાગ્યે મેચ શરૂ થઈ જશે. ટોસનો સમય ભારતીય સમય પ્રમાણે બપોરે 2 વાગ્યાનો રહેશે.
પિચ રિપોર્ટ
આજે ભારતીય વાઇસ કેપ્ટન શુભમન ગિલે પિચ અંગે વાત કરતાં કહ્યું હતું કે, 'આ પિચ પર 300-305નો સ્કોર પણ સારો રહેશે. ભેજ ન હોવાથી ટોસથી વધારે ફરક નહીં પડે. બીજી ઈનીંગમાં બેટિંગ કરનાર ટીમ પર થોડું દબાણ રહેશે.' ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લે તો નવાઈ નહીં. અગાઉ આ જ મેદાન પર રમાયેલી ભારત-બાંગ્લાદેશ સામેની મેચમાં પણ બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પિચ સ્પિનર્સને મદદ કરી શકે છે અને અહીં મેચોમાં વધારે સ્કોર બનતો નથી. ડે નાઈટ મેચોમાં સાંજ પડ્યા બાદ ઝાકળની પણ અસર થતી હોય છે. જે બોલરને બોલની ગ્રીપ પર અસર કરી શકે છે.
હવામાનની આગાહી
દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં વરસાદની શક્યતા તો નહિવત છે. દિવસે તાપમાન 30°C અને ઘટીને 20°C પણ થઈ શકે છે. થોડું વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા છે પરંતુ તેનાથી મેચમાં ખલેલ પહોંચે તેવી કોઈ શક્યતા નથી.
ભારતની સંભવિત ટીમ: રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, લોકેશ રાહુલ (wk), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી
પાકિસ્તાનની સંભવિત ટીમ: બાબર આઝમ, ઇમામ-ઉલ હક, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (C&WK), સલમાન અલી આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ