લાહોરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જુઓ ક્યારે ટક્કર, BCCI લેશે અંતિમ નિર્ણય
Image : file pic IANS |
Champions Trophy 2025: ગયા વર્ષે એશિયા કપ ક્રિકેટમાં પાકિસ્તાન યજમાન હતું પણ ભારતે તેની મેચો પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કરતા ભારતની ગ્રુપ મેચો તેમજ સેમી ફાઈનલ, ફાઈનલ તમામનું આયોજન પાકિસ્તાનમાં શક્ય નહોતું બન્યું. પાકિસ્તાનમાં માત્ર તેની ગુપ મેચો જ રમાઈ હતી અન્ય મેચે શ્રીલંકામાં યોજવી પડી હતી. બરાબર આવી જ સ્થિતિ હવે આગામી ફેબ્રુઆરી માર્ચમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સર્જાઈ શકે છે.
તટસ્થ દેશ નહીં
આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પણ પાકિસ્તાન જ છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ કાર્યક્રમનો સંભવિત ડ્રાફ્ટ મૂકી દીધો છે. જેમાં કોઈ વૈકલ્પિક તટસ્થ દેશમાં ભારતની મેચો કે ફાઈનલ, સેમી ફાઈનલ રમાય તેવી રૂપરેખાને સ્થાન નથી અપાયું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એ રીતે જ સંભવિત કાર્યક્રમ બનાવ્યો છે કે બધી મેચ પાકિસ્તાનમાં જ રમાય. ભારતની મેચો, સેમી ફાઈનલ અને ફાઈનલ લાહોરમાં યોજાશે તેમ જણાવાયું છે.
સ્થિતિ યથાવત્
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કોઈ સુધારો નથી થયો અને જમ્મુ- કાશ્મીરમાં આતંકવાદી હુમલા એવારનવાર થાય જ છે. તે જોતાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને કેન્દ્ર સરકાર પાકિસ્તાન રમવા જવાની મંજૂરી આપે છે કે કેમ તે જોવાનું રહ્યું. જો કેન્દ્ર સરકાર ઈન્કાર કરે કે પછી ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન જવાની અનિચ્છા જાહેર કરે તો ફરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે મુંઝવણ થઈ શકે છે.
ભારત અનિવાર્ય
આઈસીસીમાં ભારતનું વજન, ટી.વી. પ્રસારણથી માંડી અન્ય આવક ભારત ભાગ લે તો જ થાય છે. તેમ જોતા ભારત પાકિસ્તાન નહીં જાય તો ફરી બંને બોર્ડ વચ્ચે ટકરાવ થશે. વૈકલ્પિક કેન્દ્રમાં ભારતની મેચ રમાડયા વગર પાકિસ્તાન બોર્ડને છૂટકો નહીં રહે તેમ ફરી જણાય છે.
ફાઇનલમાં રીઝર્વ ડે
ભારતીય ક્રિકેટ બોર્ડની પ્રતિક્રિયા આગામી દિવસોમાં આવશે, પાકિસ્તાને ચેમ્પિન્સ ટ્રોફિનો જે સંભવિત ડ્રાફ્ટ મૂક્યો છે તે મુજબ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી ૨માશે ફાઈનલમાં રીઝર્વ ડે પણ રખાયો છે.
આઠ ટીમોના બે ગ્રુપ
• ગ્રુપ 'એ' : ભારત, પાકિસ્તાન, ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ
• ગ્રુપ 'બી' : ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન
• ગ્રુપ મેચ બાદ ગ્રુપની ટોપ ટુ ટીમ સેમી ફાઈનલમાં
• લાહોરમાં 7, રાવલપીંડીમાં 5 અને કરાંચિમાં 2 મેચને પ્રસ્તાવ છે.
બે ગ્રૂપ રહેશે
ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ 'એ' ગ્રુપમાં અને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન 'બી' ગ્રુપમાં રહેશે. આ ટીમ વચ્ચેની આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝ ક્વોલિફાય નથી થયું. ગ્રુપ મેચ બાદ ટોપ ટુ ટીમ સેમી ફાઈનલમાં ટકરાશે. ભારત પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ મેચ પહેલી માર્ચે લાહોરમાં પ્રસ્તાવિત છે. લાહોરમાં ટુર્નામેન્ટની 7, કરાંચીમાં 3 અને રાવલપીંડીમાં 5 મેચ રમાશે. બે સેમી ફાઈનલ અનુક્રમે કરાંચી અને રાવલપીડીંમાં છે અને ફાઈનલ લાહોરમાં રમાશે.
ભારત અને લાહોર
ભારત જો સેમી ફાઈનલમાં ક્વોલીફાય થશે તો તેની સેમી ફાઈનલ અને ફાઈનલ લાહોરમાં રમાશે કુલ 15 મેચો આ ટુર્નામેન્ટમાં યોજાશે.