બુમરાહને ટીમની બહાર કરો...: ન્યૂઝીલેન્ડ સામે પરાજય બાદ પૂર્વ સ્ટાર ખેલાડીએ રોહિત શર્માને કેમ આપી આવી સલાહ
Team India : ભારતીય ટીમ 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી છે. ભારતને તેના જ દેશમાં હરાવવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ આ મુશ્કેલ કામ ન્યુઝીલેન્ડે કરી દીધું છે. જેણે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ જીતીને ભારતમાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતી છે. આ હાર બાદ પૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે કેપ્ટન રોહિત શર્માને જસપ્રીત બુમરાહને લઈને ખાસ સલાહ આપી છે.
ભારત પુણેમાં પણ ન્યુઝીલેન્ડ સામે હાર્યું હતું
ભારત બેંગલુરુ ટેસ્ટમાં પણ હારી ગયું હતું, અને પુણેમાં પણ ન્યુઝીલેન્ડ સામે હાર્યું હતું. ન્યૂઝીલેન્ડ પહેલા એલિસ્ટર કૂકની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડે 2012માં ભારતમાં ટેસ્ટ સિરીઝમાં ભારતને હરાવ્યું હતું. જો કે એ પછી ભારતે ઘરઆંગણે સતત 18 ટેસ્ટ સિરીઝ જીતી હતી.
ભારતે જસપ્રિત બુમરાહને આરામ આપવો જોઈએ
કાર્તિકે પુણે ટેસ્ટ મેચ બાદ કહ્યું છે, કે મુંબઈમાં 1 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ મેચમાં ભારતે જસપ્રિત બુમરાહને આરામ આપવો જોઈએ. અને મોહમ્મદ સિરાજને પાછો બોલાવવો જોઈએ. બીજી ટેસ્ટ મેચમાં સિરાજની જગ્યાએ આકાશદીપને જગ્યા મળી હતી. બુમરાહે પ્રથમ બે ટેસ્ટ મેચમાં ખાસ પ્રદર્શન નથી કર્યું. તેણે માત્ર ત્રણ વિકેટ લીધી છે અને આ દરમિયાન તેની ઈકોનોમી 3.09 રહી છે.
'બુમરાહને ચોક્કસપણે આરામની જરૂર છે'
કાર્તિકે ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું કે, "બુમરાહને ચોક્કસપણે આરામની જરૂર છે. હાલમાં જે થઈ રહ્યું છે તે પ્રમાણે તમે આગામી મેચમાં મોહમ્મદ સિરાજને ટીમમાં જોઈ શકશો. આ સિવાય મને ટીમના પ્લેઈંગ-11માં અન્ય કોઈ ફેરફાર દેખાતા નથી.જો કોઈ ઈજાગ્રસ્ત થાય છે તો તે અલગ બાબત છે કે, પુણેમાં રમનારા બેટ્સમેન અને બોલરોને બીજી તક ન મળે તે માટે મને કોઈ કારણ દેખાતું નથી."