Ind vs Eng મેચમાં રચાયો અદ્દભુત સંયોગ: 12 વર્ષ બાદ આ ત્રણેય ખેલાડીઓ ટીમમાં નહિ
નવી મુંબઇ,તા. 25 જાન્યુઆરી 2024, ગુરુવાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં ત્રણ સ્પિનરોને સ્થાન મળ્યું છે. આ સાથે જ બે ઝડપી બોલરોને તક મળી છે. એક દાયકા કરતાં પણ વધુ સમય પછી આ પ્રથમ વખત બનશે જ્યારે ત્રણ દિગ્ગજોમાંથી કોઈ પણ પ્લેઈંગ ઈલેવનમાં નહીં હોય. વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેમાંથી એક પણ ખેલાડી આ ટીમનો ભાગ નથી. વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી ખસી ગયો છે જ્યારે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ખરાબ ફોર્મના કારણે ટીમની બહાર છે.
ત્રણ સ્પિનરોને તક મળી
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલને તક આપી છે.
12 વર્ષ બાદ આ ત્રણેય ખેલાડીઓ ટીમમાં નહિ
2011 પછી ભારતીય ટીમ સાથે આવું એક પણ વખત બન્યું નથી, જ્યારે વિરાટ કોહલી, પૂજારા અને રહાણેમાંથી એક પણ ખેલાડી ટેસ્ટ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બન્યો નથી. છેલ્લી વખત ભારતીય ટીમ આ ત્રણ મહાન ખેલાડીઓ વિના વેસ્ટ ઈન્ડિઝ સામે ઈડન ગાર્ડન્સ, કોલકાતામાં રમાઇ હતી.
આ ઘટના નવેમ્બર 2011માં બની હતી. ત્યારથી, દર વખતે આ ત્રણમાંથી ઓછામાં ઓછો એક ખેલાડી પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહ્યો છે. જોકે, હવે આવું નહીં થાય. ટીમ પાસે વિરાટ કોહલીના સ્થાને ચેતેશ્વર પૂજારાને સામેલ કરવાની તક હતી, પરંતુ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓ સાથે ગયું.
જો વિરાટ કોહલીનું પ્રથમ બે મેચમાંથી ખસી જવાનું કારણ વ્યક્તિગત કારણ છે. જેમના સ્થાને અન્ય ખેલાડીને ટીમમાં સ્થાન આપવાનું હતુ.
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અનુભવી ખેલાડીઓને પડતો મુકવાનો નિર્ણય મુશ્કેલ છે, પરંતુ યુવાનોને તક આપવી પણ જરૂરી છે. રજત પાટીદાર ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા છે. તે જ સમયે, વિરાટ કોહલીની જગ્યાએ કેએલ રાહુલ પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે, જ્યારે કેએલ રાહુલની જગ્યાએ કેએસ ભરત વિકેટકીપર તરીકે રમતા જોવા મળશે.
આ પણ વાંચો: IND vs ENG : અશ્વિન-જાડેજાની જોડીએ ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કુંબલે-ભજ્જીને છોડ્યો પાછળ
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન:
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલે, માર્ક વુડ, જેક લીચ.