કોહલીથી ડરે છે ઇંગ્લેન્ડનો દિગ્ગજ બોલર! કહ્યું- “પાંચમી ટેસ્ટ મેચ ન રમવા બદલ વિરાટનો……”

ભારતીય ટીમે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી છે

ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
કોહલીથી ડરે છે ઇંગ્લેન્ડનો દિગ્ગજ બોલર! કહ્યું- “પાંચમી ટેસ્ટ મેચ ન રમવા બદલ વિરાટનો……” 1 - image
Image:File Photo

IND vs ENG 5th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાનાર છે. આ ટેસ્ટ પહેલા BCCI દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં પણ વિરાટ કોહલીનું નામ સામેલ ન હતું. શરૂઆતમાં કોહલીને આ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોહલીએ અંગત કારણોસર ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ પછી એવી અટકળો હતી કે કોહલી ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરશે, પરંતુ તે પાછો ફર્યો નહીં. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે કોહલી સીરિઝની છેલ્લી મેચમાં વાપસી કરી શકે છે, પરંતુ તે પાંચમી મેચમાંથી પણ બહાર છે. આ અંગે જેમ્સ એન્ડરસને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, “ઈંગ્લેન્ડના ચાહકો પાંચમી ટેસ્ટ મેચ ન રમવા બદલ વિરાટનો આભાર માનતા હશે.” 

“કોહલી સામે રમવું મારા માટે ખૂબ જ પડકારજનક છે”

એન્ડરસને કહ્યું કે, “જો કોહલી રમ્યો હોત તો મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત હોત. મને મહાન બેટર સામે રમવું અને તેમની સામે બોલિંગ કરવું ગમે છે. તે ઘણો મોટો ખેલાડી છે. જો તે આવી સ્થિતિમાં રમ્યો હોત તો મને અંગત રીતે તે ઘણું ગમ્યું હોત. તે આટલો મહાન ખેલાડી છે, તેની સામે રમવું મારા માટે ખૂબ જ પડકારજનક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોહલી સાથે ઝઘડો થયો છે, પરંતુ તે વ્યક્તિગત નથી.”

વર્ષ 2018માં ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

જણાવી દઈએ કે વર્ષ 2018માં જયારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી ત્યારે વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. કોહલીએ આ 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 59.30ની એવરેજથી 593 રન બનાવ્યા હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની 5મી અને છેલ્લી મેચ 7 માર્ચથી 11 માર્ચ વચ્ચે રમાશે. સીરિઝની અત્યાર સુધી 4 મેચ રમાઈ છે. ભારતે આમાંથી 3 મેચ જીતી છે.

કોહલીથી ડરે છે ઇંગ્લેન્ડનો દિગ્ગજ બોલર! કહ્યું- “પાંચમી ટેસ્ટ મેચ ન રમવા બદલ વિરાટનો……” 2 - image


Google NewsGoogle News