IND vs ENG : અશ્વિન-જાડેજાની જોડીએ ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કુંબલે-ભજ્જીને છોડ્યો પાછળ
રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ કિકેટમાં 500 વિકેટ લેનાર બીજો બોલર બનવાની નજીક
રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી 129 ટેસ્ટ ઇનિંગ્સમાં 276 વિકેટ ઝડપી છે
Image:Twitter |
IND vs ENG 1st Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની જોડીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અશ્વિન-જાડેજાની જોડી ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર જોડી બની ગઈ છે. આ બંને બોલરોએ વિકેટ લેવાના મામલે પૂર્વ ભારતીય દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે અને હરભજન સિંહની જોડીને પાછળ છોડી દીધી છે.
અશ્વિન-જાડેજાની જોડી ટોપ પર પહોંચી
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર જોડી કુંબલે અને હરભજનની રહી છે. આ બંને સ્પિનરોએ મળીને કુલ 501 વિકેટ ઝડપી છે. આ મામલે બીજા નંબર પર ઝહિર ખાન અને હરભજન સિંહની જોડી છે. તેઓએ ટેસ્ટમાં 474 વિકેટ ઝડપી છે. પરંતુ હવે આ ક્રમ બદલાઈ ગયો છે. અશ્વિન અને જાડેજાની જોડી ટોપ પર પહોંચી ગઈ છે. બંને સ્પિનરોએ અત્યાર સુધી 502 વિકેટ ઝડપી છે. કુંબલે અને ભજ્જીની જોડી હવે બીજા નંબરે આવી ગઈ છે. જયારે ભજ્જી અને ઝહિરની જોડી ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.
અશ્વિન 500 વિકેટની નજીક
રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી 129 ટેસ્ટ ઇનિંગ્સમાં 276 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 12 વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપી છે. અશ્વિન ભારત માટે 180 ટેસ્ટ ઇનિંગ્સમાં 492 વિકેટ લઇ ચુક્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પોતાના નામે કરવાની નજીક છે.