ધ્રૂવ જુરેલ અંગે વિરેન્દ્ર સેહવાગની ટ્વિટ પર બબાલ, પૂર્વ ક્રિકેટર થયો ટ્રોલ
ભારતની પ્રથમ ઈનિંગમાં ધ્રુવ જુરેલે 90 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી
ભારતીય ટીમ 307 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી
Image:File Photo |
Virendra Sehwag Post : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. રાંચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે યુવા વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલે ભારતીય ટીમને મુશ્કેલીમાંથી બહાર નીકાળી હતી. ધ્રુવ જુરેલે ત્રીજા દિવસે પોતાની શાનદાર ઇનિંગ વડે ભારતીય ટીમના સ્કોરને 300ની પાર પહોંચાડી દીધો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર લોકો ધ્રુવ જુરેલની ઇનિંગના વખાણ કરતા થાકતા ન હતા. ધ્રુવ જુરેલની શાનદાર ઈનિંગથી પ્રભાવિત થઈને ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટર વિરેન્દ્ર સેહવાગે પણ એક પોસ્ટ કરી હતી. જેના પર ચાહકો વચ્ચે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.
સેહવાગની પોસ્ટ પર સોશિયલ મીડિયા પર વિવાદ છંછેડાયો
રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ધ્રુવ જુરેલે 90 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જ્યારે ભારતીય ટીમની વિકેટો સતત પડી રહી હતી, ત્યારે ધ્રુવ જુરેલે માત્ર ભારતીય ઈનિંગ્સને સંભાળી જ નહીં પરંતુ ટીમના સ્કોરને 300ની પાર પણ પહોંચાડ્યો. જો કે ધ્રુવ તેની પ્રથમ ટેસ્ટ સદી ચૂકી ગયો હતો. ધ્રુવ જુરેલની શાનદાર ઇનિંગ્સ પછી વિરેન્દ્ર સેહવાગે એક્સ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, “કોઈ મીડિયા હાઈપ નહીં, કોઈ ડ્રામા નહીં, ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહીને કુશળતા અને મહાન સ્વભાવ દેખાડ્યો. શાબાશ ધ્રુવ જુરેલ. શુભેચ્છાઓ..”
પૂર્વ ભારતીય ક્રિકેટર થયો ટ્રોલ
સેહવાગની પોસ્ટ બાદ પ્રશંસકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી હતી. કેટલાક યુઝર્સે સેહવાગ પર આરોપ લગાવ્યો કે છેલ્લી મેચ દરમિયાન જે રીતે બધાએ સરફરાઝ ખાનના વખાણ કર્યા તેનાથી સેહવાગ ખુશ નથી. સરફરાઝ ખાને જે રીતે ત્રીજી ટેસ્ટ મેચમાં ફિફ્ટી ફટકારી હતી. તે પછી બધાએ સોશિયલ મીડિયા પર તેની ઈનિંગના વખાણ કરતી પોસ્ટ શેર કરી અને સરફરાઝ ખાનની ઈનિંગના વખાણ કર્યા હતા. સેહવાગની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, “તમે વધુ સારું કરી શકો છો. ઓછામાં ઓછું તમે એક એક્સ-પ્રોફેશનલ ક્રિકેટર જેવું વર્તન કરી શકો છો, ટ્રોલ નહીં, સર.”