રાજકોટ T20 મેચમાં ખેલાડીઓ થશે ટીમની બહાર? કેપ્ટન સૂર્યકુમાર યાદવ કરી શકે છે મોટા ફેરબદલ
India vs England 3rd T20I Playing XI Prediction: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 સીરિઝનો ત્રીજો મુકાબલો આજે 28 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં યોજાશે. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી બે મેચમાં ભારતે અંગ્રેજોને કારમી હાર આપી છે. ટીમ ઈન્ડિયાએ કોલકાતામાં સાત વિકેટથી અને ચેન્નઈમાં 2 વિકેટથી જીત હાંસલ કરી હતી. આજે સાંજે રમાનારી ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા મુકાબલો જીતી પાંચ મેચોની ટી20 સીરિઝમાં વિજયી બની શકે છે.
ભારતના પ્લેઈંગ-11માં ફેરફાર
રાજકોટમાં રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં મોટા ફેરફાર થવાની શક્યતા છે. આ મેચમાં ઓલરાઉન્ડર શિવમ દુબે અને રમનદીપ સિંહ રમી શકે છે. શિવમને નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને ટીમમાં સામેલ કરાશે. નીતિશને સ્નાયુ ખેંચાઈ જતાં આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રિંકુ સિંહને પણ ઈજા થતાં તેના સ્થાને રમનદીપને લેવામાં આવી શકે છે. રિંકુને પીઠના નીચલા હિસ્સામાં ઈજા થઈ હતી.
શિવમ સ્પિનરને હંફાવશે
ટી20 વર્લ્ડ કપ 2024 દરમિયાન શિવમ દુબેએ મીડલ ઓવર્સમાં સ્પિનર્સ વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવ્યું હતું. આજની મેચમાં તે ઈંગ્લેન્ડના લેગ સ્પિનર આદિલ રાશિદને હંફાવે તેવી આશા ચાહકોએ વ્યક્ત કરી છે. ઓલરાઉન્ડર રમનદીપ સિંહ પણ ચોગ્ગા-છગ્ગા ફટકારવા માટે જાણીતો છે, સાથે સાથે બોલિંગમાં પણ કારગર સાબિત થઈ શકે છે. બંને ઓલરાઉન્ડર ક્રિકેટર આ મેચમાં પોતાનો જાદુ ચલાવે છે કે નહીં તે તો સાંજે જ ખબર પડશે. શિવમે ભારત માટે 33 ટી20 મેચ રમી છે, જેમાં 448 રન અને 11 વિકેટ ઝડપી છે. રમનદીપે બે ટી20 મેચમાં 15 રન અને એક વિકેટ હાંસલ કરી હતી.
ધ્રુવ જુરેલ અને રવિ બિશ્નોઈને પણ બહાર કરવામાં આવશે
જો શિવમ દુબે અને રમનદીપ સિંહ બંનેને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવે તો ધ્રુવ જુરેલ અને લેગ સ્પિનર રવિ બિશ્નોઈ ટીમમાંથી બહાર થઈ શકે છે. બિશ્નોઈએ આ સીરિઝમાં અત્યારસુધી એક પણ વિકેટ લીધી નથી. જ્યારે જુરેલ ચેન્નઈ ટી20માં ખાસ પર્ફોર્મ કરી શક્યો નહીં, તે માત્ર ચાર રન બનાવી પવેલિયન ભેગો થયો હતો. આ મેચમાં સૌની નજર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર રહેશે. તે આ સીરિઝમાં કોઈ ખાસ રમી શક્યો નથી. સંજૂ સેમસનની શોર્ટ બોલ આ વખતે નબળી સાબિત થઈ છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ પણ આ સીરિઝમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે આ ત્રીજી મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે અત્યારસુધીમાં સારૂ પર્ફોર્મ કર્યું હતું. બોલર આર્ચર, આદિલ રાશિદ પણ આક્રમક બોલિંગ માટૈ તૈયાર હોય તેવુ જણાઈ રહ્યું છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ સંજૂ સેમસન (વિકેટ કિપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રમનદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરૂણ ચક્રવર્તી.
ઈંગ્લેન્ડ ટીમની પ્લેઈંગ ઈલેવનઃ બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટ કિપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવરટોન, બ્રાઈડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ.
ભારત Vs ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચનું શિડ્યુલ
ત્રીજી ટી20- 28 જાન્યુઆરી, રાજકોટ
ચોથી ટી20- 31 જાન્યુઆરી, પુણે
પાંચમી ટી20- 2 ફેબ્રુઆરી, મુંબઈ
પ્રથમ વનડે- 6 ફેબ્રુઆરી, નાગપુર
બીજી વનડે- 9 ફેબ્રુઆરી, કટક
ત્રીજી વનડે- 12 ફેબ્રુઆરી, અમદાવાદ