IND vs ENG : ઈંગ્લેન્ડને મેચ જીતવા રચવો પડશે ઈતિહાસ, ભારતમાં અત્યાર સુધી કોઈ વિદેશી ટીમ આવું કરી શકી નથી

ભારતની ધરતી પર સૌથી વધુ સફળ રન ચેઝનો રેકોર્ડ ભારતના નામે છે

ભારતીય ટીમે ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો છે

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
IND vs ENG : ઈંગ્લેન્ડને મેચ જીતવા રચવો પડશે ઈતિહાસ, ભારતમાં અત્યાર સુધી કોઈ વિદેશી ટીમ આવું કરી શકી નથી 1 - image
image:Twitter

IND vs ENG 2nd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમે અત્યાર સુધી 4 વિકેટના નુકસાને 163 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 236 રનની જરૂર છે જયારે તેના 6 વિકેટ બાકી છે. આવી સ્થિતિમાં ભારતનું પલડું ભારે લાગી રહ્યું છે. જો કે ભારતની ધરતી પર આજ સુધી 387 રનથી વધુનો ટાર્ગેટ કોઈ ટીમ ચેઝ કરી શકી નથી. આવી સ્થિતિમાં જો ઈંગ્લેન્ડ આ મેચ જીતશે તો તે ઈતિહાસ રચી દેશે.

ભારતમાં ટીમ ઇન્ડિયાના નામે સૌથી વધુ સફળ રન ચેઝનો રેકોર્ડ 

ભારતની ધરતી પર સૌથી વધુ સફળ રન ચેઝનો રેકોર્ડ ભારતના નામે છે. ભારતીય ટીમે વર્ષ 2008માં ઇંગ્લેન્ડ સામે ચેન્નઈ ટેસ્ટ મેચમાં 387 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તે મેચમાં સચિન તેંડુલકરે સદી ફટકારી હતી અને ભારત તે મેચ 6 વિકેટે જીત્યું હતું.

ભારત સામે સૌથી વધુ રન ચેઝનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના નામે

કોઈપણ વિદેશી ટીમ ભારતમાં અત્યાર સુધી 300 રનથી વધુનો ટાર્ગેટ ચેઝ કરી શકી નથી. ભારતની ધરતી પર ભારતીય ટીમ સામે સૌથી વધુ રન ચેઝનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના નામે છે. વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 1987માં દિલ્હી ટેસ્ટમાં 5 વિકેટથી જીત મેળવી હતી. તે ટેસ્ટ મેચ પછી કોઈપણ વિદેશી ટીમ ભારતની ધરતી પર ચોથી ઇનિંગ્સમાં 200 રનથી વધુનો ટાર્ગેટ ચેઝ કરી શકી નથી.

બર્મિંગહામ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે 378 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો

ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડનો સૌથી સફળ રન ચેઝનો રેકોર્ડ ભારત સામે છે. વર્ષ 2022માં બર્મિંગહામ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે 378 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારતીય ધરતી પર ઈંગ્લેન્ડનો સૌથી સફળ રન ચેઝ 207 રન છે, જે તેણે વર્ષ 1972માં દિલ્હી ટેસ્ટમાં કર્યો હતો. ઈંગ્લેન્ડે તેના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ત્રણ વખત ચોથી ઈનિંગમાં 399 કે તેથી વધુ રન બનાવ્યા છે, જો કે ઈંગ્લેન્ડ ત્રણેય વખત મેચ જીતી શક્યું નથી. જો કે ચોથી ઇનિંગ્સમાં બેટિંગ કરવી મુશ્કેલ છે. જસપ્રીત બુમરાહ કેવા ફોર્મમાં છે તે ઇંગ્લેન્ડના ખેલાડીઓ માટે ટેન્શનનો વિષય છે. સ્પિનર રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ પણ ઘાતક સાબિત થઈ શકે છે.

IND vs ENG : ઈંગ્લેન્ડને મેચ જીતવા રચવો પડશે ઈતિહાસ, ભારતમાં અત્યાર સુધી કોઈ વિદેશી ટીમ આવું કરી શકી નથી 2 - image


Google NewsGoogle News