Get The App

ચક દે ઈન્ડિયા! ભારતીય હોકી ટીમે ચીનને કચડ્યું, રેકોર્ડ પાંચમી વાર જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
Indian Hockey team win


India Vs China Asian Champions Trophy Hockey Final: ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં આપેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનનો સિલસિલો જાળવી રાખતાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024નું ટાઈટલ હાંસલ કર્યું છે. હરમનપ્રીત સિંહની કપ્તાની હેઠળ ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024નું ટાઇટલ જીત્યું છે. આજે મંગળવારે (17 સપ્ટેમ્બર) ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો સામનો ચીન સામે થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ અંતે ભારતીય ટીમે 1-0થી વિજય મેળવ્યો હતો.

ભારતીય ટીમ માટે આ એકમાત્ર ગોલ ડિફેન્ડર જુગરાજ સિંહે ચોથા ક્વાર્ટરની 10મી મિનિટે કર્યો હતો. અગાઉ ત્રણ ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે ખૂબ જ જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. પ્રથમ ત્રણ ક્વાર્ટર કોઈ પણ ગોલ વિના 0-0થી બરાબરી પર રહ્યા હતા. પરંતુ ચોથા ક્વાર્ટરમાં જુગરાજે મેચ વિનિંગ ગોલ કરીને ખિતાબ જીતાડ્યો હતો.

ચીન પ્રથમ વખત ફાઈનલમાં

આ ફાઈનલ મેચ ચીનના હુલુન બ્યુર શહેરમાં યોજાઈ હતી. આ સિઝનમાં ભારતીય ટીમે બીજી સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતું. ચીનની હોકી ટીમ પ્રથમ વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ તે ટાઈટલ હાંસલ કરી શકી ન હતી.



ભારતીય ટીમે સૌથી વધુ 5 વખત ટાઈટલ જીત્યા

ભારતીય ટીમે ઈતિહાસમાં સૌથી વધુ પાંચ વખત (વર્તમાન સિઝન સહિત) એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. મેન્સ હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સિઝન 2011માં રમાઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ 2013, 2018 અને 2023ની સીઝન પણ જીતી છે. 2018માં ભારતીય ટીમ પાકિસ્તાન સાથે સંયુક્તપણે વિજેતા રહી હતી.

પાકિસ્તાને કોરિયાને 5-2થી હરાવ્યું

આ જ દિવસે ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાન માટે પાકિસ્તાન અને દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં પાકિસ્તાની ટીમે શાનદાર રીતે 5-2થી જીત મેળવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

ભારતીય હોકી ટીમ

ગોલકીપરઃ કૃષ્ણ બહાદુર પાઠક, સૂરજ કરકેરા

ડિફેન્ડર્સઃ જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જુગરાજ સિંહ, સંજય, સુમિત.

મિડફિલ્ડર્સઃ રાજ કુમાર પાલ, નીલકાંત શર્મા, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ, મોહમ્મદ રાહિલ મૌસિન.

ફોરવર્ડઃ અભિષેક, સુખજીત સિંહ, અરિજિત સિંહ હુંદલ, ઉત્તમ સિંહ, ગુરજોત સિંહ.

ચક દે ઈન્ડિયા! ભારતીય હોકી ટીમે ચીનને કચડ્યું, રેકોર્ડ પાંચમી વાર જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2 - image


Google NewsGoogle News