Get The App

બીજા દિવસે ટ્રેવિસ ભારે પડ્યો, સ્મિથે પણ સદી ફટકારી, બુમરાહે ટીમ ઈન્ડિયાની લાજ રાખી

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
IND vs AUS


IND vs AUS Highlights Day 2: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 5 મેચમાંથી ત્રીજી મેચ ગાબા મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પહેલા દિવસે વરસાદ સૌથી મોટો વિલન રહ્યો અને માત્ર 13.2 ઓવર જ રમાઈ શકી હતી. જ્યારે બીજા દિવસે જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાના બેટરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ આ પછી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ ક્રિઝ પર ટકી રહ્યા અને ઓસ્ટ્રેલિયન ટીમને કોઈ ઝટકો લાગવા દીધો નહીં. 

બીજો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો 

મેચનો બીજો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીઓના આધારે ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે 7 વિકેટ ગુમાવીને  405 રન બનાવી લીધા છે. મિચેલ સ્ટાર્ક એલેક્સ કેરી સાથે ક્રિઝ પર રહ્યો. 

ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની જોડીએ ભારતને હંફાવ્યું 

ભારતે પ્રથમ સેશનમાં 76 રનમાં ત્રણ વિકેટ લઈને શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ આ પછી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની જોડીએ ભારતને હંફાવ્યું હતું. બીજા સેશનમાં પણ ઓસ્ટ્રેલિયાને આઉટ કરી શકાયું નહીં. ઓસ્ટ્રેલિયાએ બીજા સેશનમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 130 રન બનાવ્યા હતા. આ પછી, છેલ્લા સેશનમાં ઓસ્ટ્રેલિયાએ વધુ જોરશોરથી બેટિંગ કરી અને 171 રન ઉમેર્યા. જસપ્રીત બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજ અને નીતિશ રેડ્ડીને 1-1 સફળતા મળી હતી.

બીજા દિવસની રમત પૂરી થઈ

ગાબા ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટ ગુમાવીને 405 રન બનાવી લીધા હતા. એલેક્સ કેરી 45 રન અને મિચેલ સ્ટાર્ક 7 રન સાથે ક્રિઝ રહ્યા.


Google NewsGoogle News