WC IND vs AUS Final : આજે 10 ઓવર સુધી પરિણામ નક્કી ન કરી લેતા, કારણ કે 11મી ઓવર પછી...
પ્રથમ 10 ઓવરમાં બોલ સારી રીતે ઉછળી શકે છે, પરંતુ પાછળથી પિચ સ્લો થઇ જશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટર અને બોલરો બંને માટે અનુકૂળ સાબિત થઇ છે
Worldcup 2023 Final : આજે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વકપમાં આઠમી વખત જ્યારે ભારત ચોથી વખત ફાઈનલમાં પહોંય્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વર્લ્ડકપ ફાઇનલ પહેલા અમદાવાદની પિચને લઇને ચર્ચા છે. ભારતે આ મેદાન પર વર્લ્ડકપની એક જ મેચ રમી છે જે પાકિસ્તાન સામે રમી હતી. ભારતે તે મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર વર્લ્ડકપની ફાઇનલ મેચ સ્લો પિચ પર રમાશે.
વર્લ્ડકપની ફાઇનલ મેચ પીચ કેવી હશે ?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટર અને બોલરો બંને માટે અનુકૂળ રહી છે. પ્રથમ 10 ઓવરમાં બોલ સારી રીતે ઉછળી શકે છે, પરંતુ પાછળથી પિચ સ્લો થઇ જશે. સામાન્ય રીતે અહીંની પીચ બેટરને મદદ કરવા માટે જાણીતી છે, પરંતુ સારા બોલરોને પણ અહીંથી મદદ મળવાની અપેક્ષા છે. ટીમ ઈન્ડિયાના બોલર્સ શાનદાર ફોર્મમાં છે, તેથી આ પીચ પણ તેમને મદદ કરી શકે છે. આ પીચથી બોલરોને નવા બોલથી બોલિંગ કરવામાં અને મિડલ ઓવરો દરમિયાન સ્પિનરો માટે પણ અનુકૂળ છે. અમદાવાદના મેદાન પર રમાયેલી છેલ્લી પાંચ મેચોમાંથી ત્રણ મેચ ચેઝ કરતી ટીમે જીતી છે. આવી સ્થિતિમાં કેપ્ટન માટે ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
સ્લો પિચ પર રમાશે વર્લ્ડકપની ફાઇનલ મેચ
રિપોર્ટ અનુસાર, જે પિચ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી તે રીતની પિચ પર ફાઇનલમાં પણ જોવા મળશે. પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી અને ભારતીય સ્પિનર્સને પિચની ઘણી મદદ મળી હતી. જોકે, તે મેચ લો સ્કોરિંગ રહી હતી. એવામાં વર્લ્ડકપ ફાઇનલ પણ લો સ્કોરિંગ હોઇ શકે છે. સાથે જ પિચ સ્લો રહેવાને કારણે બેટ સુધી બોલ આવવામાં સમય લાગશે.
કાળી માટીની પિચ ધીમી હોય છે
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ત્રણ પ્રકારની પિચ છે. કાળી માટીથી બનેલી પિચ, લાલ માટીથી બનેલી પિચ અને બન્ને માટીને મિક્સ કરીને બનાવેલી પિચ. કાળી માટીની પિચ ખાસ કરીને ધીમી હોય છે. આ રીતની વિકેટ પર ભારત અને પાકિસ્તાન મેચ દરમિયાન મહેમાન ટીમ 191 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતે સાત વિકેટે શાનદાર જીત મેળવી હતી. ફાઇનલમાં પણ આ રીતની પિચ પર રમાવાની શક્યતા છે એવામાં સ્પિનર પાસે વધુ તક હશે.
અમદાવાદના સ્ટેડિયમ રેકોર્ડ
આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 32 મેચ રમાઈ છે જેમાં 17 વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ મેચ જીતી છે જ્યારે 15 મેચમાં ટાર્ગેટ ચેઝ કરનાર ટીમને સફળતા મળી છે. ફાઇનલ જેવી હાઈ-વોલ્ટેજ મેચમાં બંને કેપ્ટન પ્રથમ બેટિંગ કરવા ઈચ્છશે. આ મેદાન પર સરેરાશ સ્કોર પ્રથમ ઈનિંગમાં 237 રન અને બીજી ઈનિંગમાં 207 રનનો રહ્યો છે.