IND vs AUS : 2 વર્ષ બાદ ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો ‘હાઈએસ્ટ સ્કોર’નો રેકોર્ડ
વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયાએ 4 ફિફ્ટી અને 1 સેન્ચ્યુરીની મદદથી ભારત સામે હાઈએસ્ટ રન નોંધાવ્યા હતા
ગીલ-ઐય્યર-રાહુલ-સૂર્યાની ધમાકેદાર બેટીંગના કારણે ભારતે આજે ઓસ્ટ્રેલિયા સામે હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો
Image - espncricinfo |
ઈન્દોર, તા.24 સપ્ટેમ્બર-2023, રવિવાર
આજે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે સિરીઝની બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાનો હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયાએ 4 ફિફ્ટી અને 1 સેન્ચ્યુરીની મદદથી ભારત સામે હાઈએસ્ટ રન નોંધાવ્યા હતા, ત્યારે આજે ગીલ-ઐય્યર-રાહુલ-સૂર્યાની ધમાકેદાર બેટીંગના કારણે ભારતે ઓસ્ટ્રેલિયા સામે હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા 400 રનનો ટાર્ગેટ આપ્યો છે... ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવી ઓસ્ટ્રેલિયા સામે રનનો ખડકલો કરી દીધો છે.
ગીલ-ઐય્યર-રાહુલ-સૂર્યાની ધમાકેદાર બેટીંગ
દરમિયાન આજે શુભમન ગીલે 97 બોલમાં 4 સિક્સ અને 6 ફોર સાથે 104 રન, શ્રેયસ ઐય્યરે 90 બોલમાં 3 સિક્સ અને 11 ફોર સાથે 105 રન, કે.એલ.રાહુલે 38 બોલમાં 3 ફોર અને 3 સિક્સ સાથે 52 રન તેમજ સૂર્યકુમાર યાદવે 37 બોલમાં 6 ફોર અને 6 સિક્સ સાથે 72 રન ફટકાર્યા છે. આ ચારેય ધુરંધર બેટ્સમેનોના કારણે ભારત ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર બનાવામાં સફળ તો થયું છે, ઉપરાંત ઓસ્ટ્રેલિયાના હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ પણ તોડી દીધો છે.
ઓસ્ટ્રેલિયાએ 2020માં ભારત સામે નોંધાવ્યો હતો હાઈએસ્ટ સ્કોર
વર્ષ 2020માં સિડનીના મેદાનમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત સામે 50 ઓવરમાં 4 વિકેટે હાઈએસ્ટ 389 રન નોંધાવ્યા હતા. આ મેચમાં ડેવિડ વોર્નરે 83 રન, એરોન ફિંચે 60 રન, સ્ટીવ સ્મિથે 104 રન,માર્નસ લેબુશેને 70 રન જ્યારે ગ્લેન મેક્સવેલે 63 રન ફટકાર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 338 રન કરતા ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.