'દરેક ખેલાડી ઘરે જઇને ઘરેલુ ક્રિકેટ રમે..' હાર બાદ ગંભીરનું રોહિત-વિરાટને પણ અલ્ટીમેટમ
Guautam Gambhir Statement: ભારતીય ટીમ સિડની ટેસ્ટ મેચ જીતી શકી નહોતી. આ હારથી ભારતને બે હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી પહેલા ભારતીય ટીમનું સતત ત્રીજી વખત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. બીજું, ભારત 10 વર્ષ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી ગયું. આ હાર બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ખૂબ જ નિરાશ છે. તેમણે આ હાર બાદ મોટું નિવેદન આપ્યું છે.
ઓસ્ટ્રેલિયાએ WTC ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું
ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટ છ વિકેટે જીતી લીધી હતી. આ મેચ જીતવા માટે તેને 161 રનની જરૂર હતી, જે તેણે ચાર વિકેટ ગુમાવીને બનાવ્યા અને ત્રીજા દિવસે જ મેચ જીતી લીધી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 3-1થી જીતી લીધી અને WTC ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું.
મેચ હાર્યા બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ખુલ્લેઆમ ટીમ વિશે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન ગંભીર ખૂબ જ નિરાશ અને ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો. તે સિનિયર ખેલાડીઓના પ્રદર્શનથી પણ નાખુશ દેખાયો. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, 'દરેક વ્યક્તિએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવી જોઈએ. જો તમારે લાલ બોલની ક્રિકેટ રમવી હોય તો તમારે ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે.'
વિરાટ-રોહિતના ભવિષ્ય અંગે ગૌતમ ગંભીરે શું કહ્યું?
આ સિરીઝ દરમિયાન જ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નિવૃત્તિના સમાચાર પણ સામે આવ્યા હતા. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા રોહિતે પણ સિડની ટેસ્ટ મેચમાંથી પોતાને બહાર કરી દીધા હતા. આ અંગે ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, 'હું કોઈપણ ખેલાડીના ભવિષ્ય પર ટિપ્પણી કરી શકતો નથી. તે ખેલાડીઓ પર નિર્ભર છે. તેમની પાસે ભૂખ અને પ્રતિબદ્ધતા છે. આશા છે કે તેઓ ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે જે પણ જરૂરી હશે તે કરશે.'