IPL વચ્ચે ભારતીય ટીમ માટે નવી સીરિઝની જાહેરાત, સામે આવ્યું શેડ્યૂલ, ડે-નાઈટ ટેસ્ટ પણ સામેલ
ભારતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી 2 બોર્ડર-ગાવસ્કર સીરિઝ જીતી છે
Border Gavaskar Trophy : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે 2024-25નું સમર શેડ્યૂલ જાહેર કર્યું છે. ઓસ્ટ્રેલિયન મેન્સ ટીમ આ વર્ષના અંતમાં પાકિસ્તાન સામે ODI અને T20I સીરિઝ જયારે ભારત સામે 5 ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા સામાન્ય રીતે બંને ટીમો વચ્ચે 4 મેચ રમાતી હતી.
બીજી ટેસ્ટ ડે-નાઈટ હશે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરથી પર્થના પર્થ સ્ટેડિયમમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયામાં સતત ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવનાર એકમાત્ર ભારતીય ટીમ પ્રથમ વખત પર્થમાં પોતાના પ્રવાસની શરૂઆત કરશે. અગાઉના બે પ્રસંગોએ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. બીજી ટેસ્ટ 6થી 10 ડિસેમ્બર સુધી એડિલેડમાં રમાશે, જે ડે-નાઈટ ટેસ્ટ હશે.
બોક્સિંગ ડે ટેસ્ટ અને ન્યૂ યર ટેસ્ટના સ્થળોમાં કોઈ ફેરફાર નહીં
ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા ખાતે શરૂ થવાની છે. બોક્સિંગ ડે ટેસ્ટ અને ન્યૂ યર ટેસ્ટના સ્થળોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ મેચ મેલબોર્નમાં MCG અને સિડનીમાં SCGમાં રમાશે. પ્રથમ અને બીજી ટેસ્ટ વચ્ચે મોટું અંતર રાખવામાં આવ્યું છે કારણ કે BCCI કથિત રીતે એડિલેડ ટેસ્ટ પહેલા ખેલાડીઓને તેની આદત પાડવા માટે પિંક બોલથી પ્રેક્ટિસ મેચ રમાડવા માંગે છે. ટુર્નામેન્ટની ચોથી ટેસ્ટ મેલબોર્નમાં 26થી 30 ડિસેમ્બર દરમિયાન રમાશે. ઉપરાંત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ સિડનીમાં 3થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે.
ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે હરાવવું સરળ નહીં હોય
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 16 વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ છે. તેમાંથી ભારતીય ટીમે 10 વખત અને ઓસ્ટ્રેલિયાએ 5 વખત ટ્રોફી જીતી છે. વર્ષ 2003-04માં રમાયેલી ટ્રોફી 1-1થી ડ્રો રહી હતી. ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે અત્યાર સુધીમાં 7 વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચૂકી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ 4 વખત અને ભારત 2 વખત જીત્યું છે. જયારે 1 સીરિઝ ડ્રો રહી છે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાને તેમના ઘરઆંગણે હરાવવું સરળ નહીં હોય. જો કે સારી વાત એ છે કે ભારતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી 2 બોર્ડર-ગાવસ્કર સીરિઝ (2018-19, 2020-21) જીતી છે. જ્યારે 2022-23 ભારતમાં રમાઈ હતી અને ભારતે તેને 2-1થી જીતી હતી.