IND vs AUS 5th Test : ટીમ ઈન્ડિયા 185માં ઓલઆઉટ, દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 9/1
IND vs AUS 5th Test Score Updates Day 1 Score LIVE: આજે ત્રીજી જાન્યુઆરીએ સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ અને પાંચમી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ મેચમાં રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જોકે પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 185 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, જ્યારે સિરાજ અણનમ રહ્યો હતો.
લંચ પહેલા જ ટીમ ઈન્ડિયા સંકટમાં
ટીમ ઈન્ડિયાની પહેલા દિવસની રમતની વાત કરીએ તો અત્યાર સુધીમાં મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા દેખાઈ રહી છે. એક તો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ખરાબ ફોર્મથી કંટાળીને પહેલાથી જ ટીમ બહાર થઇ ગયો હતો ત્યારે સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ આ મેચમાં કંઈ ખાસ કમાલ ન બતાવી શક્યો. તે 10 રને જ આઉટ થઈ ગયો હતો. તેના પછી કે.એલ રાહુલ પણ 4 રન બનાવીને બોલાન્ડનો શિકાર બની જતાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી હતી. જેના પછી રોહિતની જગ્યાએ ટીમમાં આવેલા શુભમન ગિલે પણ 20 રન બનાવીને વિકેટ ફેંકી દેતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ હતી. હાલમાં વિરાટ કોહલી મેદાને છે અને લંચનો સમય થઈ ગયો છે. ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર માત્ર 57 રન થઇ શક્યો હતો અને તેના ટોપ ઓર્ડરના ત્રણ બેટર પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
કોહલીનું ફરી 'ફ્લોપ' પ્રદર્શન
જોકે લંચ બાદ રમત ફરી શરૂ થતાં વિરાટ કોહલીનું ફરી ફ્લોપ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ વખતે પણ તે બોલાન્ડની બોલિંગમાં વેબસ્ટરને કેચ આપી બેઠો. ફરી એકવાર તેના બેટને એજ અડી ગઇ અને થર્ડ સ્લિપમાં તેનો કેચ થઈ ગયો. કોહલી છેલ્લી ઘણી ઇનિંગમાં લગભગ આ રીતે જ આઉટ થતો જોવા મળ્યો છે. જોકે રોહિત શર્મા વગરની ટીમ ઈન્ડિયાને આજે વિરાટ કોહલી પાસેથી ઘણી આશાઓ હતી જેના પર લગભગ પાણી ફરી વળ્યું છે. ટીમ ઈન્ડિયાએ 76 રનમાં 4 વિકેટો ગુમાવી દીધી હતી.
ટીમ ઈન્ડિયાનો ધબડકો
કોહલીના આઉટ થયા બાદ જાડેજા અને પંતની જોડીએ કાંગારૂઓને હંફાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છેવટે ટીમનો ધબડકો થયો અને એક પછી એક 149 રનમાં 8 વિકેટો પડી ગઇ હતી. પંત 40 રન તો જાડેજા 26 રન કરી શક્યો હતો. તેના પછી ચોથી ટેસ્ટનો સ્ટાર નીતિશ રેડ્ડી આ વખતે ફ્લોપ રહ્યો અને શૂન્ય પર આઉટ થઈ ગયો. તેના બાદ વોશિંગ્ટન સુંદરે 14 રન કરીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. હાલમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને જસપ્રીત બુમરાહ ક્રીઝ પર છે. જેના બાદ પ્રસિદ્ધ કૃષ્ણા મેદાને આવ્યો હતો અને તે પણ 3 રન બનાવી આઉટ થઈ જતાં 168 રનમાં ટીમ ઈન્ડિયાની 9 વિકેટો પડી ગઇ હતી. મિચેલ સ્ટાર્કે તેનો શિકાર કર્યો હતો. ત્યારબાદ સિરાજ અને બુમરાહ મેદાને ક્રિઝ પર હતા. જેના બાદ થોડીવાર લડાયક બેટિંગ કરી બુમરાહે 22 રન ફટકારી દીધા હતા અને છેવટે તે પણ આઉટ થઇ જતાં 185 રનમાં ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઇ હતી.
ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ શરૂ
ઓસ્ટ્રેલિયાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ બેટિંગમાં તેની પણ શરૂઆત ખરાબ રહી. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર બુમરાહે ફરી એકવાર શરૂઆતમાં ઝટકો આપતાં ઉસ્માન ખ્વાઝાને સસ્તામાં 2 રને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 1 વિકેટના નુકસાને 9 રને પહોંચી શક્યો હતો. હાલમાં સેમ કોન્સ્ટાસ 7 રને રમતમાં છે.