IND vs AUS : 10 વર્ષે ભારતે BGT ટ્રોફી ગુમાવી, કાંગારૂઓ 3-1થી શ્રેણી જીત્યાં, બુમરાહની ગેરહાજરી નડી
India vs Australia 5th Test SCG Day 3 Live Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ હતી. આજે મેચનો ત્રીજો દિવસ (5 જાન્યુઆરી) હતો. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 162 રન બનાવી લીધા હતા. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે બોલિંગ કરવા પણ નહોતો આવ્યો અને એના કારણે જ કાંગારૂઓ ફાવી ગયા અને ટારગેટને સરળતાથી ચેઝ કરી ગયા. આ સાથે ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની આશાઓ પણ ખતમ થઈ ગઈ છે. 10 વર્ષે ટીમ ઈન્ડિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગુમાવી હતી.
ઓસ્ટ્રેલિયા એક સમયે નબળી સ્થિતિમાં હતું પરંતુ છેલ્લે ટ્રેવિસ હેડ અને બ્યુ વેબસ્ટર તેની વહારે આવ્યા અને બંનેએ એક મોટી પાર્ટનરશિપ કરતાં સરળતાથી રનચેઝ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાને બુમરાહની ગેરહાજરીનો ફાયદો મળ્યો. તોય ટીમ ઈન્ડિયાના બોલિંગ એટેક સામે ચાર વિકેટો તો પડી ગઇ હતી. ટ્રેવિસ હેડ 34 તો બ્યુ વેસ્ટર 39 રન બનાવીને અણનમ રહ્યા હતા. ટીમ ઈનડિયા માટે સૌથી વધુ વિકેટો પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી હતી.
મેચની અત્યાર સુધીની હાઈલાઈટ્સ...
ભારતીય ટીમનો બીજો દાવ 157 રન પર જ સમેટાઈ ગયો હતો. આ મેચમાં ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 185 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ પણ 181 રનમાં સમેટાઈ ગયો હતો. એટલે કે પ્રથમ દાવના આધારે ભારતને ચાર રનની લીડ મળી હતી. ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી.
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની હાઈલાઈટ્સ...
લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી અને તેણે માત્ર 3.4 ઓવરમાં 39 રન બનાવી લીધા હતા. અહીંથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતીય ટીમની વાપસી કરાવી હતી. પ્રસિદ્ધે પહેલા સેમ કોન્સ્ટાસ (22)ને વોશિંગ્ટન સુંદરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પછી તેણે માર્નસ લેબુશેન (6) અને સ્ટીવ સ્મિથ (4)નો પણ શિકાર કર્યો. યશસ્વી જયસ્વાલે લાબુશેન અને સ્મિથ બંનેનો કેચ પકડ્યો હતો.
ભારતની બીજી ઇનિંગની ખાસ વાતો
ભારતે બીજા દાવમાં મજબૂત શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં સ્ટાર્કની પહેલી જ ઓવરમાં 16 રન આપ્યા હતા. પરંતુ ભારતીય ટીમને પહેલો ફટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો, જેને સ્કોટ બોલેન્ડે બોલ્ડ કર્યો હતો. રાહુલ અને યશસ્વી વચ્ચે પ્રથમ વિકેટ માટે 45 બોલમાં 42 રનની ભાગીદારી થઈ હતી. રાહુલના આઉટ થયા બાદ યશસ્વી (22) પણ બોલેન્ડનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી (6)નું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું અને તે ફરીથી બોલને ઓફ-સ્ટમ્પની બહાર રમવા જતા આઉટ થયો હતો. કોહલી સ્ટીવ સ્મિથના હાથે બોલેન્ડના હાથે કેચ આઉટ થયો હતો. શુભમન ગિલ પણ 13 રન બનાવીને બેઉ વેબસ્ટરના બોલ પર વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.
પંતે જોરદાર ટક્કર આપી હતી
78 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ ઋષભ પંતે ભારતીય ઇનિંગની કમાન સંભાળી હતી. પંતે માત્ર 29 બોલમાં સિક્સર અને ફોર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પંતની તોફાની ઇનિંગ્સનો અંત પેટ કમિન્સે કર્યો હતો. ઓફ-સ્ટમ્પની બહારનો બોલ પંતના બેટની કિનારી સાથે અથડાયો અને વિકેટકીપર કેરીના હાથમાં ગયો. પંતે 33 બોલમાં 6 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડી (4) બીજા દાવમાં પણ નિરાશ થયો અને તેણે ખૂબ જ બિનજરૂરી શોટ રમ્યો અને બોલેન્ડના બોલ પર કમિન્સના હાથે કેચ આઉટ થયો.
ત્રીજા દિવસે શું થયું?
ત્રીજા દિવસની રમતમાં ભારતીય ટીમે ટૂંક સમયમાં જ બાકીની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજા (13) સૌથી પહેલા આઉટ થયો હતો, જેને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે એક શાનદાર બોલ પર ફસાવી દીધો હતો. ત્યારબાદ કમિન્સે વોશિંગ્ટન સુંદર (12)ને પણ બોલ્ડ કર્યો હતો. મોહમ્મદ સિરાજ (4) અને જસપ્રીત બુમરાહ (0) આઉટ થનારા છેલ્લા બે બેટ્સમેન હતા. બંનેને સ્કોટ બોલેન્ડે આઉટ કર્યા હતા. ભારતની બીજી ઇનિંગમાં બોલેન્ડે છ વિકેટ લીધી હતી જ્યારે કમિન્સને ત્રણ વિકેટ મળી હતી. વેબસ્ટરે પણ એક વિકેટ લીધી હતી.