બુમરાહ વિશે જાતિવાદી ટિપ્પણી કરનાર કોમેન્ટેટર ઈશાએ માફી માગી, શાસ્ત્રીએ બહાદુર મહિલા ગણાવી
Isa Apologized To Jasprit Bumrah: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબામાં રમાઈ રહી છે. આ મેચમાં મોટો વિવાદ પણ જોવા મળ્યો હતો. તેના કેન્દ્રમાં ઈંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર ઈશા ગુહા રહી છે. કોમેન્ટેટર ઈશા ગુહાએ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વિશે જાતિવાદી ટિપ્પણી કરી હતી. ઈશાએ બુમરાહ માટે 'પ્રાઈમેટ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. પ્રાઈમેટનો અર્થ નર વાનર થાય છે. સસ્તન પ્રાણીઓના ઉત્ક્રાંતિમાં અક તબક્કો પ્રાઈમેટનો રહ્યો છે.
શું ટીપ્પણી કરી મહિલા કોમેન્ટેટરે?
મેચના બીજા દિવસના પહેલા સેશનમાં જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોને સસ્તામાં આઉટ કરી દીધા હતા. પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બ્રેટ લી બુમરાહની આ શાનદાર બોલિંગથી પ્રભાવિત થઈ કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે, 'તમે પૂર્વ કેપ્ટન(જસપ્રિત બુમરાહ) પાસેથી અવા જ પ્રદર્શનની ઈચ્છો રાખો છો.' આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ઈસા ગુહા પણ બ્રેટ લી સાથે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. બ્રેટ લીને જવાબ આપતા તેણે કહ્યું, 'તે MVP છે, સૌથી મોંઘો પ્રાઈમેટ, જસપ્રિત બુમરાહ.'
ઈશા ગુહા દ્વારા કરાયેલા પ્રાઈમેટ શબ્દના ઉપયોગે સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધુ હતું. ચાહકોએ તેની ખૂબ ટીકા કરી અને આ 39 વર્ષીય કોમેન્ટેટરને માફી માગવા માટે મજબૂર કરી. ઈશા ગુહાએ જાતિવાદી ટિપ્પણી માટે જસપ્રીત બુમરાહની માફી માગી છે. તેણે કહ્યું કે, હું આ મહાન બોલરની પ્રશંસા કરવા માગતી હતી પરંતુ મારા મોઢામાંથી ખોટો શબ્દ નીકળી ગયો.
કોમેન્ટેટર ઈશાએ માફી માગી
ગુહાએ કહ્યું કે, 'ગઈકાલે કોમેન્ટ્રી દરમિયાન મેં એક શબ્દનો પ્રયોગ કર્યો હતો જેના અલગ-અલગ નીકળી શકે છે. મારાથી થયેલી કોઈપણ ભૂલ માટે હું માફી માગવા માગુ છું. જ્યારે અન્ય લોકો માટે સહાનુભૂતિ અને આદરની વાત આવે છે, ત્યારે મેં મારા માટે ખૂબ જ ઉચ્ચ ધોરણો નક્કી કર્યા છે. હું તેમની સિદ્ધિની મહાનતા બતાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ મેં ખોટા શબ્દનો પ્રયોગ કર્યો. તેના માટે મને ખેદ છે. દક્ષિણ એશિયાઈ મૂળના હોવાને કારણે મને આશા છે કે લોકો સમજશે કે આમાં અન્ય કોઈ ઈરાદો કે દ્વેષ નહોતો. જો તમે મારી આખી વાત સાંભળો તો મારો હેતુ ભારતના મહાન ખેલાડીઓમાંથી એકની પ્રશંસા કરવાનો હતો. હું તેની ખૂબ પ્રશંસા કરું છું. હું સમાનતાની સમર્થક છું અને એવી વ્યક્તિ છું જેણે મારી આખી કારકિર્દી રમતગમતમાં સમાવેશ અને સમજ વિશે વિચારવામાં ખર્ચી છે.
આ પણ વાંચો: બુમરાહ પર અભદ્ર ટિપ્પણીથી વિવાદ: કોમેન્ટેટરે કરેલા શબ્દપ્રયોગથી ગુસ્સે ભરાયા ફેન્સ
રવિ શાસ્ત્રીએ બહાદુર મહિલા ગણાવી
આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ ઈશા ગુહાને બહાદૂર મહિલા ગણાવી. તેમણે કહ્યું કે, લાઈવ ટીવી પર માફી માગવા માટે હિમ્મતની જરૂર પડે છે. લોકોને ભૂલ કરવાનો અધિકાર છે, કારણ કે, આપણે બધા માણસ છીએ. જ્યારે તમારા હાથમાં માઈક હોય ત્યારે ક્યારેક-ક્યારેક આવું થાય છે. ભારતીય મૂળની ઈશા ગુહા ઈંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર છે. તેમના માતા-પિતા 1970માં બ્રિટેન જતા રહ્યા હતા. ઈશાએ ઈંગ્લેન્ડ માટે 8 ટેસ્ટ, 83 ODI અને 22 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.