IND vs AFG : રોહિત શર્માની નજર વર્લ્ડ રેકોર્ડ પર, કોહલી અને ધોનીને પાછળ છોડવાની પણ તક
રોહિત શર્માએ 51 T20I મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે
રોહિતે ભારત માટે T20Iમાં કેપ્ટન તરીકે 32.49ની એવરેજથી 1527 રન બનાવ્યા છે
Image:File Photo |
Rohit Sharma Will Break MS Dhoni And Virat Kohli’s Record : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવતીકાલથી ત્રણ મેચોની T20I સીરિઝ શરુ થવા જઈ રહી છે. આ સીરિઝમાં કેપ્ટન રોહિત શર્માની નજર એવી સિદ્ધિ મેળવવા પર રહેશે જે અત્યાર સુધી કોઈ બેટ્સમેને મેળવી નથી. જો રોહિત અફઘાનિસ્તાન સામે રમાનાર સીરિઝ દરમિયાન 18 છગ્ગા ફટકારી લેશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 છગ્ગાના આંકડાને સ્પર્શ કરનાર ક્રિકેટ ઈતિહાસનો પહેલો બેટ્સમેન બની જશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી બનશે રોહિત શર્મા
રોહિત શર્મા હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન છે. રોહિત શર્માએ 464 મેચની 486 ઇનિંગ્સમાં 582 છગ્ગા ફટકાર્યા છે. આ પછી વેસ્ટ ઇન્ડિઝનો દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ આ યાદીમાં બીજા નંબરે છે. તેણે 483 મેચની 551 ઇનિંગ્સમાં 553 છગ્ગા ફટકાર્યા છે.
રોહિત તોડી શકે એમએસ ધોનીનો આ રેકોર્ડ
રોહિત શર્માની કેપ્ટનશીપમાં જો ભારતીય ટીમ અફઘાનિસ્તાનને સીરિઝ 3-0થી હરાવે છે તો રોહિત T20 ફોર્મેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન બની જશે. ભારત માટે કેપ્ટન તરીકે સૌથી વધુ T20I મેચ જીતવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. ધોનીએ 72 મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે જેમાંથી 41 મેચમાં ભારતને જીત મળી છે. જયારે રોહિત શર્માએ 51 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન રોહિતના નેતૃત્વમાં ભારત 39 મેચ જીતવામાં સફળ રહ્યું છે. જો ભારતીય ટીમ સીરિઝ 2-1થી જીતે છે તો રોહિત શર્મા આ મામલે ધોનીની બરાબરી કરી લેશે.
રોહિત પાસે વિરાટ કોહલીથી આગળ નીકળવાની તક
રોહિત પાસે વિરાટ કોહલીને પાછળ છોડવાનો મોકો પણ છે. રોહિતે ભારત માટે T20Iમાં કેપ્ટન તરીકે 32.49ની એવરેજથી 1527 રન બનાવ્યા છે. જયારે વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 50 મેચમાં 1570 રન બનાવ્યા છે. રોહિત અફઘાનિસ્તાન સામે 44 રન બનાવતાની સાથે વિરાટ કોહલીથી આગળ નીકળી જશે. અફઘાનિસ્તાન સામે સીરિઝની બીજી મેચ રોહિત શર્માના કરિયરની 150મી T20I મેચ હશે. આ સાથે રોહિત 150 T20I મેચ રમનાર પ્રથમ ખેલાડી બની જશે.