IND vs AFG : સીરિઝ શરૂ થાય તે પહેલાં જ અફઘાનિસ્તાનને ઝટકો, મેચ વિનર ખેલાડી અનફિટ
રાશિદ ખાન ભારત સામે સીરિઝ રમવા ટીમ સાથે ચંડીગઢ પહોંચ્યો હતો
રાશિદ ખાન વિના પણ અમારી ટીમ ઘણી મજબૂત છે - અફઘાન કેપ્ટન
Image:Twitter |
IND vs AFG Rashid Khan Ruled Out Of Series : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની T20I સીરિઝની શરૂઆત આવતીકાલથી થવાની છે. પરંતુ આ પહેલા અફઘાનિસ્તાન ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન આ સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન ઇબ્રાહિમ ઝાદરાને આજે આ વાતની પુષ્ટિ કરી હતી.
ટીમ સાથે ચંડીગઢ પહોંચ્યો હતો રાશિદ ખાન
રાશિદ ખાનની થોડા મહિના પહેલા કમરના નીચેના ભાગની સર્જરી થઇ હતી. તે ટીમ સાથે ચંડીગઢ પહોંચ્યો અને ટ્રેનિંગ પણ કરી હતી. જો કે સીરિઝ શરુ થવાના એક દિવસ પહેલા અફઘાનિસ્તાનના કેપ્ટને જણાવ્યું કે, ‘રાશિદ સંપૂર્ણ રીતે ફિટ નથી. ટીમમાં વાપસી માટે તેને હજુ સમય લાગશે. ભારતમાં ODI World Cup 2023માં પોતાના પ્રદર્શનથી સૌને ચોંકાવનારી અફઘાનિસ્તાનની ટીમ ઉત્સાહમાં છે અને તેને આ ફોર્મેટ ગમે પણ છે. ટીમમાં મુજીબ ઝાદરાન, નવીન ઉલ હક અને ફઝલહક ફારૂકી જેવા મહાન ખેલાડીઓ પણ છે.’
રાશિદ ખાન વિના પણ અમારી ટીમ ઘણી મજબૂત છે - અફઘાન કેપ્ટન
અફઘાનિસ્તાન ટીમના કેપ્ટનનું માનવું છે કે રાશિદ ખાન વિના પણ તેમની ટીમ ઘણી મજબૂત છે. તેણે કહ્યું, ‘રાશિદ સિવાય એવા પણ ખેલાડીઓ છે જેમના ઉપર અમને પૂરો વિશ્વાસ છે. હું જાણું છું કે તેઓ સારું ક્રિકેટ રમશે. રાશિદની ગેરહાજરીમાં અમને મુશ્કેલી થશે કારણ કે તેનો અનુભવ અમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. જો કે આ ક્રિકેટ છે અને અહિંયા અમારે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડે છે.’