વર્લ્ડ રેકોર્ડથી એક જીત દૂર ટીમ ઈન્ડિયા, પાકિસ્તાનને પાછળ છોડીને ભારત રચશે ઈતિહાસ
ભારતે અફઘાનિસ્તાનને સીરિઝની 2 મેચમાં હરાવીને સીરિઝ પર કબજો કરી લીધો છે
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ વધુ સારો રહ્યો નથી
Image:File Photo |
IND vs AFG 3rd T20I : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી T20I સીરિઝની અંતિમ મેચ આજે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યે શરુ થશે. ભારતીય ટીમ સીરિઝમાં 2-0થી આગળ છે. આજે ત્રીજી મેચ જીતીને સીરિઝમાં અફઘાનિસ્તાનનું સૂપડું સાફ કરવાના ઈરાદાથી ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે.
ભારત આજે બનાવી શકે વર્લ્ડ રેકોર્ડ
ભારતીય ટીમ જો આજે ત્રીજી T20Iમાં અફઘાનિસ્તાનને હરાવશે તો તે T20Iમાં સૌથી વધુ ક્લીન સ્વિપ કરનારી ટીમ બની જશે. હાલમાં આ વર્લ્ડ રેકોર્ડ સંયુક્ત રીતે ભારત અને પાકિસ્તાનના નામે છે. જો ભારત આજે જીતશે, તો તે પાકિસ્તાનને પાછળ છોડીને સૌથી વધુ ક્લીન સ્વિપનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરશે. ભારતીય ટીમ અત્યાર સુધી T20Iમાં 8 વખત ક્લીન સ્વિપ કરી ચુકી છે. પાકિસ્તાનની ટીમ પણ 8 વખત ક્લીન સ્વિપ કરી ચુકી છે.
ભારતીય ટીમમાં થઇ શકે છે ફેરફાર
એવું માનવામાં આવી રહ્યું છે કે છેલ્લી T20Iમાં ભારતીય ટીમના પ્લેઇંગ-11માં ફેરફાર જોવા મળી શકે છે. ભારતના પ્લેઇંગ-11માં આવેશ ખાન અને કુલદીપ યાદવને સ્થાન મળી શકે છે. કુલદીપને વોશિંગ્ટન સુંદરના સ્થાને જયારે આવેશ ખાનને મુકેશ કુમારના સ્થાને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત જિતેશ શર્માની જગ્યાએ સંજૂ સેમસન મેદાનમાં જોવા મળી શકે છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ
અફઘાનિસ્તાન માટે ભારતને ટક્કર આપવી સરળ રહેશે નહીં. જો બેંગલુરુના એમ. ચિનાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારતના T20 રેકોર્ડ પર નજર કરીએ તો તે ખૂબ સારું રહ્યું નથી. ભારતે અહીં 7 T20I મેચ રમી છે. આ દરમિયાન તેણે 3 મેચમાં જીતી અને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જયારે એક મેચનો પરિણામ આવી શક્યો ન હતો. રોહિત શર્મા બેંગલુરુમાં નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરશે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
ભારત
રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (wkt), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર
અફઘાનિસ્તાન
રહેમાનુલ્લાહ ગુરબાઝ (wkt), ઇબ્રાહિમ ઝાદરાન (C), ગુલબદીન નાઇબ, અઝમતુલ્લાહ ઓમરઝાઇ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જન્નત, મુજીબ ઉર રહેમાન, નૂર આહમદ, નવીન ઉલ હક, ફાઝલહક ફારૂકી