રોહિત શર્મા અને મોહમ્મદ નબી વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી, વિરાટ કોહલી પણ નાખુશ
રોહિત શર્માએ 69 બોલમાં અણનમ 121 રન બનાવ્યા હતા
રવિ બિશ્નોઈએ બીજી સુપરમાં 1 રન આપીને 2 વિકેટ ઝડપી હતી
Image: Social Media |
Rohit Sharma And Mohammed Nabi In Heated Exchange : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે રમાયેલી T20I સીરિઝની અંતિમ મેચ રોમાંચક રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ રોહિત શર્માના 121 રનની શાનદાર ઇનિંગના કારણે 212 રનના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ ગુબદીન નાઈબની ફિફ્ટીના કારણે 212 રન બનાવવામાં સફળ રહી અને મેચ ટાઈ થઇ હતી. ભારતે બીજી સુપર ઓવરમાં જીત મેળવી પરંતુ આ સુપર ઓવર દરમિયાન રોહિત શર્મા અને મોહમ્મદ નબી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
રોહિત શર્મા અને મોહમ્મદ નબી વચ્ચે થઇ બોલાચાલી
પહેલી સુપર ઓવર મુકેશ શર્માને આપવામાં આવી હતી. અફઘાનિસ્તાનની બેટિંગ દરમિયાન મુકેશ શર્માની ઓવરના છેલ્લા બોલ પર બબાલ થયો હતો. વિકેટકીપર સંજૂ સેમસને થ્રો કર્યો અને તે બોલ મોહમ્મદ નબીથી અથડાઈને લોંગ-ઓન પર ફિલ્ડીંગ કરી રહેલા વિરાટ કોહલી પાસે ગયો હતો. આ દરમિયાન નબી ઓવર-થ્રોના 2 રન દોડી ગયો અને સુપર ઓવરનો કુલ સ્કોર 16 રન સુધી લઈ ગયો હતો. રોહિત શર્મા નબીના 2 રન લેવાના નિર્ણયથી ખુશ ન હતો. કારણ કે બોલ અફઘાનિસ્તાનના બેટ્સમેનથી અથડાઈને ગયો હતો. મોહમ્મદ નબી સાથે બોલાચાલી પહેલા રોહિતે અમ્પાયર સાથે દલીલ કરી હતી.
વિરાટ કોહલી પણ નાખુશ
અમ્પાયર્સ રોહિત શર્માને શાંત કરવા માટે કંઈ કરી શક્યા ન હતા કારણ કે અફઘાનિસ્તાન દ્વારા લેવામાં આવેલા 2 વધારાના રન રમતના નિયમો મુજબ હતા. રોહિત શર્મા મોહમ્મદ નબી સાથે સતત દલીલ કરતો હોવાથી વિરાટ કોહલી ખુશ દેખાતો ન હતો. ભારત તરફથી પહેલી સુપર ઓવરમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેટિંગ કરવા ઉતર્યા હતા. જયારે ભારતને 1 બોલમાં 2 રનની જરૂર હતી ત્યારે રોહિત શર્માએ રિટાયર્ડ થવાનો નિર્ણય કર્યો અને તેના સ્થાને રિંકુ સિંહ બેટિંગ કરવા આવ્યો. રિંકુ સિંહે પ્રથમ સુપર ઓવર ટાઈ કરવામાં ભારતની મદદ કરી.
રવિ બિશ્નોઈએ ભારતને બીજી સુપર ઓવરમાં જીત અપાવી
ત્રીજી મેચમાં વિવાદ ત્યારે વધી ગયો જયારે રોહિત શર્મા બીજી સુપર ઓવરમાં ફરી બેટિંગ કરવા આવ્યો હતો. કારણ કે નિયમો મુજબ પ્રથમ સુપર ઓવરમાં બેટિંગ કરનાર બેટ્સમેન બીજી સુપર ઓવરમાં બેટિંગ કરી શકતો નથી. જો કે મેચ રેફરીએ ચોખવટ કરતા જણાવ્યું કે રોહિત બેટિંગ કરી શકે છે કારણ કે તે પ્રથમ સુપર ઓવરમાં આઉટ થયો ન હતો. ભારતે અંતિમ સુપરમાં 11 રન બનાવ્યા હતા. આખરે રોહિત શર્મા માટે બધું સારું થયું કારણ કે રવિ બિશ્નોઈએ ભારત માટે બીજી સુપર ઓવરમાં માત્ર 1 રન આપીને 2 વિકેટ લીધી અને ભારતને જીત અપાવી હતી.