34 વર્ષ બાદ ભારતમાં યોજાશે એશિયા કપ, 2027નો યજમાન દેશ પણ જાહેર
Asia Cup 2025: ભારત પરથી હજી ક્રિકેટ વર્લ્ડકપની જીતનો નશો ઉતર્યો નથી. જોકે ગઈકાલે ભારતીય મહિલા ટીમ પાસે એશિયા કપ જીતવાનો એક સુવર્ણ મોકો હતો પરંતુ કમનસીબે આપણે આ ચૂકી ગયા છીએ. જોકે ફરી ભારત પાસે આગામી એક-બે વર્ષમાં મોટા ખિતાબ જીતવાનો મોકો આવી રહ્યો છે. આગામી વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો ભારતીય ટીમ પાસે મોકો છે પરંતુ આ તમામ વચ્ચે મહત્વની વાત એ છે કે 34 વર્ષ બાદ ભારત એશિયા કપની મેજબાની કરશે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની જાહેરાત અનુસાર ભારતમાં 34 વર્ષ બાદ એશિયા કપ યોજાશે. 2025નો એશિયા કપ ભારતમાં સૌથી ટૂંકા ફોર્મેટ, T20માં યોજાવા જઈ રહ્યો છે. આ સાથે 2027નો યજમાન દેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. એશિયા કપ ટૂર્નામેન્ટની ચોથી એડિશન 1990-91માં ભારતમાં યોજાઈ હતી. યજમાન ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને પોતાનું ટાઇટલ જાળવી રાખ્યું હતું.
માત્ર મેન્સ જ નહિ 2026ની એશિયા કપ વુમન્સનું આયોજન પણ ભારતમાં થશે. મહિલા એશિયા કપની આગામી એડિશનમાં 15 મેચો હશે અને તે પણ T20 ફોર્મેટમાં રમાશે. શ્રીલંકાએ રવિવારે 28મી જુલાઈના રોજ જ એશિયા કપ, 2024 જીત્યો હતો. આ ફાઈનલ મેચમાં ભારતને 8 વિકેટે હરાવીને શ્રીલંકાએ પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે.
આ અગાઉ 2023નો મેન્સ એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં યોજવામાં આવ્યો હતો, જે 50 ઓવરના ફોર્મેટનો હતો. કોલંબોમાં રમાયેલી ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ભારત હાલમાં એશિયા કપનું વર્તમાન ચેમ્પિયન છે.
આ પણ વાંચો: મનુ ભાકર રચશે ઈતિહાસ...! બીજો ઓલિમ્પિક મેડલ જીતવાની આશા
આ સિવાય 2027 મેન્સ એશિયા કપ ODI ફોર્મેટમાં હશે અને તેની યજમાની બાંગ્લાદેશ કરશે. બંને ટૂર્નામેન્ટમાં છ ટીમો – ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ભાગ લેશે. 13 મેચોની આ સીરિઝ માટે છઠ્ઠી ટીમ ક્વોલિફિકેશનના આધારે નક્કી કરવામાં આવશે.
રસપ્રદ વાત એ છે કે, 2026નો મેન્સ T20i વર્લ્ડકપ પણ ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. 2025માં ICC આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે અને ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહિ તે અંગે હજી અનેક પ્રકારની અટકળો છે. જોકે હવે એશિયા કપના આગામી એડિશન માટે પુરૂષ અને મહિલા ટીમે ભારત આવવાનું છે અને આગામી ટી20 વર્લ્ડકપ પણ ભારતમાં યોજાશે તેથી ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની ચાલ પર આગામી તમામ મોટી ઈવેન્ટનું શેડ્યુઅલ નિર્ભર રહેશે.