ભારતની 302 રનથી શ્રીલંકાને કચડીને સેમીફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
ભારતની 302 રનથી શ્રીલંકાને કચડીને સેમીફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી 1 - image


- 358 રનના ટાર્ગેટ સામે શ્રીલંકા 55 રનમાં ખખડયું

- શમીનો 18 રનમાં પાંચ વિકેટ ઝડપી તરખાટ  ગીલ 92, કોહલી 88 અને ઐયરના 82

- વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતનો સૌથી મોટો વિજય

મુંબઈ : મોહમ્મદ શમી ૧૮ રનમાં પાંચ વિકેટ, સિરાજની ૧૬ રનમાં ૩ અને બુમરાહે ઇનિંગની પહેલી ઓવરના પહેલા જ બોલે વિકેટ ઝડપતા કાતિલ ત્રિપાંખિયા હૂમલામાં શ્રીલંકા ભારતના સ્ટીમ રોલર હેઠળ કચડાઈ ગયું હોય તેમ ૩૦૨ રનથી વર્લ્ડ કપની મેચમાં હાર્યું હતું. આ સાથે ભારતે સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

આ વર્લ્ડ કપની ભારત અત્યાર સુધી રમાયેલી સાત મેચમાંથી સાતેયમાં જીત્યું છે અને ૧૪ પોઇન્ટ સાથે સેમી ફાઇનલમાં પ્રવેશનાર ભારત પ્રથમ ટીમ બની છે. હજુ ભારતને બે મેચ રમવાની બાકી છે. ભારતનો વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી મોટો વિજય છે. જયારે ઓવરઓલ વર્લ્ડ કપનો આ બીજા ક્રમનો મોટો વિજય છે. ભારતના ૫૦ ઓવરોના ૮ વિકેટે ૩૫૭ રન સામે શ્રીલંકા ૧૯.૪ ઓવરોમાં ૫૫ રનમાં ઓલઆઉટ થયું હતું. આ સાથે શ્રીલંકા ની સેમી ફાઇનલની આશા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

જે રીતે વિજય મેળવ્યો તે જોતા એમ કહી શકાય કે ભારતના બેટસમેનોનું આક્રમણ ભુલાઈ ગયું અને ફાસ્ટ બોલરોએ જે તરખાટ મચાવ્યો તે કાયમ યાદ રહેશે.

ટોસ જીતીને શ્રીલંકા ના કેપ્ટન મેન્ડિસે ભારતની મજબુત બેટિંગ લાઇન અપ છે તે જાણવા છતાં ભારતને પ્રથમ બેટિંગ આપી હતી.

ગીલે ૯૨ બોલમાં ૧૧ ચોગ્ગા, બે છગ્ગા સાથે ૯૨, કોહલી ૯૪, બોલમાં ૧૧ ચોગ્ગા સાથે ૮૮ અને શ્રેયસ ઐયરે માત્ર ૫૬ જ બોલમાં ૩ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે ૮૨ રનની ભારે આક્રકમક બેટિંગ કરતા ભારત ૩૫૮ રન ૮ વિકેટે ૫૦ ઓવરોમાં બનાવી શકયું હતું.

રમતની પ્રથમ ઓવરના બીજા જ બોલે રોહિત શર્મા ૪ રને આઉટ થતા શ્રીલંકા ભારત પર દબાણ સર્જશે તેમ લાગતું હતું. પણ ગીલ અને કોહલીએ નબળી ફિલ્ડિંગ અને તેવા જ કેચિંગનો ફાયદો ઉઠાવતા ૧૮૯ રનની બીજી વિકેટની ભાગીદારી ૨૯.૫ ઓવરોમાં નોંધાવી હતી.

ગીલ અને કોહલી બંને સદી નોંધાવવામાં નિષ્ફળ ગયા હતા તે પછી શ્રેયસ ઐયર ભારતનો ત્રીજો આવો કમનસીબ બેટસમેન બન્યો હતો. કોહલીએ જો સદી ફટકારી હોત તો તેંડુલકરની ૪૯ વન ડે સદીના વર્લ્ડ રેકોર્ડનો તેણે તેંડુલકરની ઉપસ્થિતિમાં જ રેકોર્ડ સર્જયો હોત.

સુર્યકુમારે (૧૨) મોટો સ્કોર કરવાની ઉત્તમ તક ગુમાવી હતી. ઐયર-જાડેજાએ છ ઓવરોમાં ૫૭ રન ઝૂડયા હતા.

શ્રીલંકા તરફથી ફાસ્ટ બોલર મદુશનાકાએ ૮૦ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.

શ્રીલંકા માટે ૩૫૮ ચેઝ કરવા કઠીન જ હતા પણ આ હદે શરણાગતિ સ્વીકારશે તે તેઓએ પણ કલ્પના નહીં કરી હોય.

જો કે આ હદના ધબડકાનું શ્રેય બુમરાહ કે જેણે શ્રીલંકા ની ઇનિંગના પ્રથમ બોલે જ નિસાંકાની અને તે પછીની ઓવરમાં સિરાજે બે વિકેટ કરૂણારત્ને અને સમરવિક્રમાની ઝડપી હતી. સિરાજે તે પછીની ઓવરમાં મેન્ડિસની કિંમતી વિકેટ ઝડપતા શ્રીલંકા ૩ રને ૪ વિકેટના સ્કોરે હતપ્રભ થઈ ગયું હતું. તે પછી શમીના હાથમાં બોલ આવ્યો અને તેણે શ્રીલંકા ની પાંચ વિકેટ ઝડપી.

ભારતે જ રીતે શ્રીલંકા ને હરાવી આગેકૂચ કરી છે તેનાથી હવે હરિફ સેમી ફાઇનલિસ્ટ ટીમો જે પણ હશે તેઓ ભયભીત બની ચૂકી હશે.


Google NewsGoogle News