WTC પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ બીજા ક્રમે, ઈંગ્લેન્ડ સામે જીત પછી એક સાથે બે ટીમને પાછળ છોડી
ભારતે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું
ભારત તરફથી બુમરાહ અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી
Image:Twitter |
WTC Points Table : ભારતીય ટીમે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવી દીધું છે. આ જીત સાથે ભારતે આ 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. આ મેચ જીતવા માટે ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 292 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતે મેચ જીતી લીધી હતી. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે.
ભારતીય ટીમ ફરી બીજા સ્થાને પહોંચી
સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના પોઇન્ટ્સ ટેબલમાં ભારતને ઘણું નુકસાન થયું હતું અને ભારતીય ટીમ બીજા નંબરથી પાંચમા નબરે પહોંચી ગઈ હતી. હવે બીજી ટેસ્ટ મેચમાં જીત પછી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડને પાછળ છોડીને ફરી એકવાર બીજા નંબરે પહોંચી ગઈ છે.
ઈંગ્લેન્ડની ટીમ આઠમા સ્થાને
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના પોઇન્ટ્સ ટેબલ પર ઈંગ્લેન્ડની ટીમ આઠમા નંબર પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ હજુ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. સાઉથ આફ્રિકા ત્રીજા, ન્યુઝીલેન્ડ ચોથા અને બાંગ્લાદેશ પાંચમા ક્રમે છે.