ભારત-શ્રીલંકા ત્રીજી વનડે Live : ભારતે શ્રીલંકાને જીતવા આપ્યો 391 રનનો ‘વિરાટ’ ટાર્ગેટ
ટીમ ઈંન્ડિયાએ બે ફેરફાર કર્યા છે
શ્રીલંકાએ પણ ટીમમાં બે ફેરફારો કર્યા છે
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સીરીઝની ત્રીજી વનડે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડે 67 રનથી અને બીજી વનડે ચાર વિકેટે જીતી હતી. આજે ભારતીય ટીમની નજર શ્રીલંકાને ક્લીન સ્વીપ કરવા પર રહેશે.
કોહલી 46મી સદી
વિરાટ કોહલીએ 86 બોલમાં 100 પૂર્ણ કરી તેમના વન-ડે કરિયરની 46મી સદી ફટકારી અને તેમના કરિયરની આ 74મી સદી ફટકારી છે.
𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 𝐟𝐨𝐫 𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢 🔥🔥
— BCCI (@BCCI) January 15, 2023
His 46th in ODIs and 74th overall 🫡🫡#INDvSL #TeamIndia pic.twitter.com/ypFI9fdJ2I
શુભમન ગિલ આઉટ
શુભમન ગિલની શાનદાર ઇનિંગ્સનો અંત આવી ગયો છે. શુભમન ગિલ 116 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. ગિલને કસુન રાજીથાએ બોલ્ડ કર્યો હતો. ગિલે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હાલમાં વિરાટ કોહલી 58 અને શ્રેયસ અય્યર 0 રન પર બેટિંગ કરી રહ્યા છે. 33.4 ઓવરમાં ભારતનો સ્કોર - 226/2.
શુભમન ગીલની શાનદાર સદી, કોહલીની પણ ફિફ્ટી
શુભમન ગિલે પોતાની ODI કારકિર્દીની બીજી સદી પૂરી કરી છે. ગિલે 89 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન ગિલે 11 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ભારતનો સ્કોર એક વિકેટે 215 રન છે. વિરાટ કોહલીએ પણ અડધી સદીનો આંકડો પાર કરી લીધો છે.
શુભમન ગિલની બીજી ફિફ્ટી
શુભમન ગિલે આ શ્રેણીમાં પોતાની બીજી અડધી સદી પૂરી કરી છે. આ સિરીઝમાં આ તેની બીજી ફિફ્ટી છે અને તે ઝડપી સ્કોર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે ODI ટીમમાં ઓપનર તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી રહ્યો છે. 27 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 1 વિકેટના નુકસાને 168 રનને પાર કરી ગયો છે.
રોહિત શર્મા આઉટ થયો
ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામે પહેલો ઝટકો લાગ્યો છે, જોરદાર ટચમાં દેખાઈ રહેલા કેપ્ટન રોહિત શર્માએ 42 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી છે. રોહિત શર્મા તોફાની બેટિંગ કરી રહ્યો હતો, મોટો શોટ રમવામાં તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. ભારતનો સ્કોર 15.2 ઓવરમાં 95/1 થઈ ગયો છે.
રોહિત શર્માએ વનડેમાં મોટો રેકોર્ડ બનાવ્યો
ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્રથમ બેટિંગ કરી રહી છે. કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી એબી ડી વિલિયર્સને પાછળ રાખી દીધો છે.
રોહિત અને ગિલની શાનદાર શરુઆત
ટીમ ઈન્ડિયાની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે અને ભારતીય ઓપનરોએ ધમાકેદાર શરૂઆત કરી છે. રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના 75 રન સુધી પહોંચી ગયો છે.
ટીમ ઈન્ડિયાની તોફાની શરૂઆત
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે શાનદાર શરૂઆત કરી છે. ભારતનો સ્કોર 6 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 42 રન થઈ ગયો છે. શુભમન ગિલ, રોહિત શર્મા સતત બાઉન્ડ્રીનો વરસાદ કરી રહ્યા છે. ઈનિંગની છઠ્ઠી ઓવરમાં બંનેએ 23 રન લૂંટ્યા હતા, જેમાં શુભમન ગિલે પણ સતત 4 ચોગ્ગા ફટકાર્યા હતા.
ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાને આરામ આપ્યો
ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાને આરામ આપવાનો નિર્ણય કર્યો છે, તેની સાથે ઉમરાન મલિકને પણ આરામ મળ્યો છે. બંને ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ સામે વનડે અને ટી-20 સિરીઝ રમવાના છે. આગામી સીરીઝ પહેલા, કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદરને તક આપી છે.
ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન રોહિતે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકને આરામ આપવામાં આવ્યો છે. આ બંનેના સ્થાને સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી છે. આજે ભારત પાસે પાંચ બોલિંગ વિકલ્પો હશે. આ સાથે જ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પણ પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. ધનંજય ડી સિલ્વાના સ્થાને એશેન બંદરાને તક આપવામાં આવી છે જ્યારે ડ્યુનિથ વેલાલ્ગેના સ્થાને વાન્ડરસેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બંને ટીમોના પ્લેઇંગ-11
ભારત
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા
અવિષ્કા ફર્નાન્ડો, નુવાનિડુ ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (wk), એશેન બંદારા, ચારિથ અસલંકા, દાસુન શનાકા (c), વાનિન્દુ હસરાંગા, જેફરી વાન્ડરસે, ચમિકા કરુણારત્ને, કાસુન રાજીથા, લાહિરુ કુમારા.