પેરિસ ઓલિમ્પિક 2024ની તૈયારી માટે ભારતે ખર્ચ્યા રૂ. 470 કરોડ, જે રમતોમાં 230 કરોડ ખર્ચ્યા તેમાં આવ્યો એક જ મેડલ
Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિક હવે લગભગ પૂરો થવાની તૈયારીમાં છે. ભારત અત્યાર સુધી 6 મેડલ જીતી શક્યું છે જેમાં એક સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ઓલિમ્પિકની તૈયારી માટે ભારત સરકારે 470 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આંકડા પ્રમાણે ભારત સરકારે સૌથી વધારે રૂપિયા એથ્લેટિકસની તૈયારી પાછળ ખર્ચ્યા હતા. જેમાં ભારતને 1 જ મેડલ મળ્યો છે. તે પણ ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો. નીરજ જેવલીન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય એથ્લેટિકસની ઇવેન્ટ્સમાં ભારત અંદાજ પ્રમાણે દેખાવ કરી શક્યું નથી. એટલું જ નહીં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને બેડમિન્ટન અને બોક્સિંગમાં પણ મેડલ્સ મળ્યા હતા. આ વખતે ભારતે આ રમતો પાછળ સૌથી વધારે રૂપિયા ખર્ચ્યા હોવા છતાં બંનેમાં ભારતને નિરાશા સાંપડી હતી.
એથ્લેટિકસ બાદ બેડમિન્ટનની તૈયારીમાં સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું હતું. 72.02 કરોડ રૂપિયા ખર્ચાયા હોવા છતાં ભારતને બેડમિન્ટનમાં એકપણ મેડલ મળ્યો નહોતો. ટોક્યો ઓલિમ્પિક વખતે ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. આ સિવાય ભારતે બોક્સિંગની તૈયારી પાછળ 60.93 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેમ છતાં ભારતને આ સ્પોર્ટમાં પણ એકપણ મેડલ મળ્યો નહોતો. ટોક્યો ઓલિમ્પિક વખતે મહિલા બોક્સર લવલીના બોરગોહેન બ્રોન્ઝ મેડલ જીતી હતી.
શૂટિંગમાં સૌથી વધારે મેડલ
ભારતે શૂટિંગની તૈયારી પાછળ 60.42 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા જેમાં ભારતને 3 મેડલ મળ્યા હતા. ભારત માટે મનુ ભાકર, સરબજોત સિંહ અને સ્વપ્નિલ કુસાલેએ 3 બ્રોન્ઝ મેડલ અપાવ્યા હતા. આ સિવાય હોકીમાં 41.29 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો જેમાં પુરુષોની હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જો કે આ સિવાય તીરંદાજી અને ટેબલ ટેનિસમાં ભારતને મેડલની આશા હતી પરંતુ ભારત આ ઇવેન્ટ્સમાં પણ એકપણ મેડલ જીતી શક્યું નહોતું.
કઈ સ્પોર્ટની તૈયારી પાછળ કેટલો ખર્ચ?
એથ્લેટિકસ - 96.08 કરોડ
બેડમિન્ટન - 72.02 કરોડ
બોક્સિંગ - 60.93 કરોડ
શૂટિંગ - 60.42 કરોડ
હોકી - 41.29 કરોડ
તીરંદાજી - 39.18 કરોડ
રેસલિંગ - 37.80 કરોડ
વેઇટ લિફ્ટિંગ - 26.96 કરોડ
ટેબલ ટેનિસ - 12.92 કરોડ
જુડો - 6.30 કરોડ
સ્વિમિંગ - 3.9 કરોડ
રોવિંગ - 3.89 કરોડ
સેઇલિંગ - 3.78 કરોડ
ગોલ્ફ - 1.74 કરોડ
ટેનિસ - 1.67 કરોડ