ભારતે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ T20માં રોમાંચક વિજય મેળવ્યો, રન ચેઝ કરતા બનાવ્યો આ ખાસ રેકોર્ડ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ હાઈસ્કોરીંગ રહી હતી
India Created record in T20 : ભારતે ઓસ્ટ્રેલિયા સામે ગઈકાલે રમાયેલી પ્રથમ T20માં મેચમાં બે વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારતે 209 રનનો ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતી હતી. આ જીત સાથે જ ભારત T20માં સૌથી વધુ વખત 200 કે તેથી વધુના ટાર્ગેટને સફળતાપૂર્વક ચેઝ કરનાર દેશ બની ગયો છે.
પ્રથમ મેચ હાઈસ્કોરીંગ રહી હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે વિશાખાપટ્ટનમમાં પાચં T20 સીરિઝની પ્રથમ મેચ રમાઈ હતી જે હાઈસ્કોરીંગ મેચ રહી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યુ મેચ રમનાર જોશ ઈંગ્લિશે 50 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી આક્રમક 110 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આપેલા ટાર્ગેટને ભારતીય ટીમે 19.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને જ હાંસલ કર્યો હતો.
ભારતીય ટીમે T20માં રેકોર્ડ રન ચેઝ કર્યો
ભારતીય ટીમે ગઈકાલે T20માં સૌથી મોટા ટાર્ગેટને ચેઝ કરીને મેચ જીતી હતી. આ પહેલા ભારતે હૈદરાબાદમાં 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે 208 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ જીત સાથે ભારતે એક નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો જેમાં ભારત સૌથી વધુ વખત T20માં 200 કે તેથી વધુના ટાર્ગેટને સફળતાપૂર્વક હાંસલ કરનાર દેશ બની ગયો છે. ભારતીય ટીમે પાંચમી વખત 200થી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારત બાદ દક્ષિણ આફ્રિકાએ 4, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાએ ત્રણ-ત્રણ વખત 200થી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.
ભારતે T20Iમાં સફળતાપૂર્વક સૌથી વધુ ટાર્ગેટ ચેઝ કર્યો