આંતરરાષ્ટ્રીય ચેસમાં સુપરપાવર તરીકે ભારતે પુનઃ પ્રતિષ્ઠા મેળવી
આંતરરાષ્ટ્રીય ચેસ જગતમાં ભારત ફરી એક વખત સુપર પાવર તરીકે ઉભરી આવ્યું હતુ. ભારતીય ચેસ જગત માટે આ વર્ષ ગોલ્ડન વર્ષ બની રહ્યું હતુ. માત્ર ૧૮ વર્ષની વયે વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે ભારતના ગ્રાન્ડમાસ્ટર ડોમારાજુ ગુકેશે આંતરરાષ્ટ્રીય ચેસ જગતમાં નવો કીર્તિમાન રચી દિધો હતો. વિશ્વના સૌથી યુવા વયના વિશ્વવિજેતા તરીકેનો ખિતાબ હાંસલ કરવાની સાથે ગુકેશે ભારતના પાંચ વખતના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી લીધુ. ચેસ વિશ્વમાં ભારતનો વિજયઘોષ હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલા ૪૫માં ચેસ ઓલિમ્પિયાડથી થયો હતો. જેમાં ભારતની પુરુષ ટીમે ઓપન વિભાગમાં અને મહિલા ટીમે સુવર્ણચંદ્રક જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. એક સૈકાનો ઈતિહાસ ધરાવતા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે પહેલવહેલી વખત સુવર્ણચંદ્રક જીત્યો અને તે પણ બે વિભાગમાં, જે ભારતીય રમત ઈતિહાસની ગૌરવપ્રદ સિદ્ધિ બની રહી. ભારતની સફળતામાં ડી.ગુકેશની સાથે આર. પ્રજ્ઞાનંધા, વિદીત ગુજરાતી, પી. હરિકૃષ્ણા અને અર્જુન એરિગૈસીની સાથે સાથે મહિલા ખેલાડીઓ ડી. હરિકા, આર. વૈશાલી, તાનિયા સચદેવ, વંતિકા અગ્રવાલ અને દિવ્યા દેશમુખનો દેખાવ પાયારુપ રહ્યો હતો.