IND vs BAN: ટેસ્ટ મેચમાં T20 જેવી ધોલાઈ! 147 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ક્યારે નથી બન્યું એ ટીમ ઈન્ડિયાએ કરી બતાવ્યું
IND vs BAN Kanpur test: ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈતિહાસ રચી દીધો હતો. કેપ્ટન રોહિત શર્મા અને ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલની ભારતની ઓપનિંગ જોડીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આજ સુધી કોઈ નથી કરી શક્યું.
ભારતના ઓપનર્સ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે માત્ર ત્રણ ઓવરમાં 51 રન પૂરા કર્યા હતા. તમને જણાવી દઈએ કે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ચાલી રહેલી આ મેચ વરસાદના કાને ચોથા દિવસે શરૂ થઈ ગઈ છે. પ્રથમ ત્રણ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયા હતા. ચોથા દિવસની રમતમાં ભારતે બાંગ્લાદેશને 233 રને ઓલઆઉટ કર્યું હતું. ત્યાર બેટિંગમાં આવેલી ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચમાં T-20 ક્રિકેટ જેવી બેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.
પ્રથમ ઓવરમાં યશસ્વી જયસ્વાલે ઉપરાઉપરી ત્રણ બોલમાં ત્રણ ચોગ્ગા ફટકારીને 12 રન બનાવ્યા હતા. બીજી ઓવરમાં રોહિત શર્માએ પોતાના પ્રથમ બે બોલમાં બે છગ્ગા ફટકાર્યા હતા અને આ ઓવરમાં 17 રન આવ્યા હતા. ત્રીજી ઓવરમાં પણ બે છગ્ગા અને બે ચોગ્ગા સાથે ટીમે 21 રન નોંધાવ્યા હતા.
રોહિત-જયસ્વાલે કરી ધોલાઈ
બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ટીમે નવો ઈતિહાસ રચ્યો હતો. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે જોરદાર દેખાવ કર્યો અને માત્ર ત્રણ ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ માત્ર 11 બોલમાં બોલમાં કુલ 21 રન બનાવ્યા હતા જેમાં 3 છગ્ગા હતા. રોહિતે બેટિંગમાં આવતા પ્રથમ બે બોલમાં બે છગ્ગા ફટકારી પોતાની ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. જ્યારે જયસ્વાલે તો ત્યાર બાદ ફિફ્ટી ફટકારીને પણ હીટિંગ કરવાનું શરૂ રાખ્યું હતું. હિટમેન રોહિતની ઝડપી ઇનિંગનો અંત સ્પિનર મેહદી હસન મિરાજે તેને બોલ્ડ કરીને લાવ્યો હતો. તે 11 બોલમાં 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ઈંગ્લેન્ડનો રેકોર્ડ તોડ્યો
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે. ઈંગ્લેન્ડ તેની બેઝબોલ ક્રિકેટ સ્ટાઈલ ફટાફટ બેટિંગ કરવા માટે જાણીતી ટીમ છે. આ જ વર્ષે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે નોટિંગહામમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લિશ ટીમે 4.2 ઓવરમાં 50 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે બર્મિંગહામમાં પણ આ સિદ્ધિ ફરીથી રિપીટ કરી હતી અને 4.2 ઓવરમાં 50 રન પૂરા થયા હતા. જો કે હવે ટીમ ઈન્ડિયાએ માત્ર 3 જ ઓવર્સમાં ફિફ્ટી પુરી કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 રન
3.0 - ભારત v/s બાંગ્લાદેશ, કાનપુર, 2024
4.2 - ઈંગ્લેન્ડ v/s વેસ્ટ ઈન્ડિઝ, નોટિંગહામ, 2024
4.2 - ઈંગ્લેન્ડ v/s વેસ્ટ ઈન્ડિઝ, બર્મિંગહામ, 2024
4.3 - ઇંગ્લેન્ડ v/s દક્ષિણ આફ્રિકા, ધ ઓવલ, 1994
4.6 - ઇંગ્લેન્ડ v/s શ્રીલંકા, માન્ચેસ્ટર, 2002