પેરિસ ઓલિમ્પિક માટે ભારત સજ્જ... હોકી ટીમની જાહેરાત, હરમનપ્રીત સિંહને સોંપાયું સુકાનીપદ
Image: Facebook
Paris Olympics 2024: હોકી ઈન્ડિયાએ આગામી મહિને થનાર પેરિસ ઓલિમ્પિક માટે બુધવારે 16 સભ્યની ટીમની જાહેરાત કરી દીધી છે. હરમનપ્રીત સિંહને કેપ્ટન અને હાર્દિક સિંહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ભારતીય ટીમમાં 5 ખેલાડી ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે, આ સિવાય ટીમમાં છેલ્લા તબક્કામાં ભાગ લઈ ચૂકેલા અમુક સીનિયર ખેલાડી પણ સામેલ છે.
ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમને ગત ચેમ્પિયન બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, આર્જેંટીના, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડની સાથે પૂલ બી માં રાખવામાં આવ્યાં છે. પૂલ પોઈન્ટ ટેબલમાં હાઈ ચારમાં રહેનારી ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે.
ભારતીય ખેલાડી અત્યારે બેંગ્લુરુના સાઈ (SAI) કેન્દ્રમાં રાષ્ટ્રીય શિબિરમાં ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત છે. અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ અને મિડફીલ્ડર મનપ્રીત સિંહ ચોથી વખત ઓલિમ્પિકમાં ભાગ લેશે, જ્યારે કેપ્ટન હરમનપ્રીતની આ ત્રીજી ઓલિમ્પિક હશે. 5 ખેલાડી ભારત માટે ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે જેમાં જરમનપ્રીત સિંહ, સંજય, રાજ કુમાર પાલ, અભિષેક અને સુખજીત સિંહ સામેલ છે.
ટોક્યોમાં 41 વર્ષ બાદ મેડલ જીતવાના ઐતિહાસિક પ્રદર્શન બાદ ભારતીય ડિફેન્ડર રુપિંદરપાલ સિંહ અને બીરેન્દ્ર લાકડા સંન્યાસ લઈ ચૂક્યા છે. જ્યારે સુરેંદર કુમાર ટીમથી બહાર છે. ટોક્યોમાં મુખ્ય ટીમનો ભાગ રહેલા નીલકાંત શર્માને વૈકલ્પિક ખેલાડીઓમાં રાખવામાં આવ્યા છે અને દિલપ્રીત સિંહને તક મળી નથી.
ગોલકીપર કૃષ્ણ પાઠક સતત બીજા ઓલિમ્પિકમાં વૈકલ્પિક ખેલાડી હશે. ડિફેન્સમાં હરમનપ્રીત સિંહ, જરમનપ્રીત, અમિત રોહિદાસ, સુમિત અને સંજય, જ્યારે મિડફીલ્ડમાં રાજકુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદ સામેલ છે.
ફોરવર્ડમાં અભિષેક, સુખજીત, લલિત કુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ અને ગુરજંત સિંહ સામેલ છે. પાઠક અને નીલકાંત સિવાય ડિફેન્ડર જુગરાજ સિંહ ભારતના ત્રીજા વૈકલ્પિક ખેલાડી છે.
મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને કહ્યું, અમારા ખેલાડીઓમાં પ્રતિભાની ઊંડાઈના કારણે પેરિસ ઓલિમ્પિકની ટીમ માટે પસંદગી પ્રક્રિયા ખૂબ પ્રતિસ્પર્ધી હતી. જોકે મને વિશ્વાસ છે કે પસંદ કરવામાં આવેલા દરેક ખેલાડી પેરિસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.તેમણે કહ્યું, પસંદ કરેલા દરેક ખેલાડીએ તૈયારી તબક્કા દરમિયાન અસાધારણ કૌશલ્ય, સમર્પણ અને સુગમતા દર્શાવી છે. ફુલ્ટને કહ્યું, અમારું ધ્યાન એક એવી ટીમ બનાવવા પર રહ્યું છે જે રમવાની અલગ સ્ટાઈલ અને પરિસ્થિતિઓથી સાંમજસ્ય બેસાડી શકે. મને વિશ્વાસ છે કે અમે તેને પ્રાપ્ત કરી લીધું છે.
ભારતીય ટીમ પોતાનું અભિયાન 27 જુલાઈએ ન્યુઝીલેન્ડ સામે શરૂ કરશે. જે બાદ 29 જુલાઈએ ટીમનો સામનો આર્જેન્ટિના સાથે થશે. પછી ભારત 30 જુલાઈએ આયર્લેન્ડથી એક ઓગસ્ટે બેલ્જિયમથી અને બે ઓગસ્ટે ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે.
ભારતે અત્યાર સુધી 8 ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત કુલ 12 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. પુલ એ માં નેધરલેન્ડ, જર્મની, બ્રિટન, સ્પેન, દક્ષિણ આફ્રિકા અને મેજબાન દેશ ફ્રાન્સ સામેલ છે.
ટીમ આ પ્રકારે છે
ગોલકીપર- પી. આર. શ્રીજેશ.
ડિફેન્ડર- જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ, સુમિત, સંજય.
મિડફીલ્ડર- રાજકુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ.
ફોરવર્ડ- અભિષેક, સુખજીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, મંદીપ સિંહ, ગુરજંત સિંહ.
વૈકલ્પિક ખેલાડી- નીલકાંત શર્મા, જુગરાજ સિંહ, કૃષ્ણ બહાદુર પાઠક.