ભારતને થયો ન્યૂઝીલેન્ડની હારથી મોટો ફાયદો, ટીમ ઇન્ડિયા WTC પોઈન્ટ્સ ટેબલમાં બની નંબર-1
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડને 172 રનથી હરાવ્યું
Image:File Photo |
WTC Points Table : ભારત ફરી એકવાર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર આવી ગયું છે. ન્યુઝીલેન્ડની હારને કારણે ભારતીય ટીમને ફરી એકવાર પ્રથમ સ્થાન મળ્યું છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાઈ હતી, આ મેચમાં ન્યુઝીલેન્ડ ટીમનો 172 રનથી પરાજય થયો હતો. મેચ હારવા સાથે ન્યુઝીલેન્ડની ટીમે WTC પોઈન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન પણ ગુમાવી દીધું છે. આ હાર બાદ કિવી ટીમ બીજા સ્થાને સરકી ગઈ છે, જ્યારે ભારત ટોપ પર પહોંચી ગયું છે.
ભારતે WTC પોઈન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન હાંસલ કર્યું
વેલિંગ્ટન ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડ WTC પોઈન્ટ ટેબલમાં 75 ટકા પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને હતું જ્યારે ભારત 64.58 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને હતું. આ હાર બાદ ન્યૂઝીલેન્ડના ખાતામાં માત્ર 60 ટકા પોઈન્ટ બચ્યા છે, આવી સ્થિતિમાં ભારતે નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે. આ જીત બાદ ઓસ્ટ્રેલિયા 59.09 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને યથાવત છે.
ભારતીય ટીમનું ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે 5 મેચની આ ટેસ્ટ સીરિઝમાં પ્રથમ મેચ હારવા છતાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડની ટીમે હૈદરાબાદ ટેસ્ટ જીતીને સીરિઝની શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ ભારતે વિશાખાપટ્ટનમ, રાજકોટ અને રાંચીમાં ઇંગ્લેન્ડને ખરાબ રીતે હરાવીને સીરિઝ પોતાના નામે કરી હતી. સીરિઝની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાળામાં રમાનાર છે. જો ભારતીય ટીમ આ મેચ જીતે છે, તો તે WTC પોઈન્ટ ટેબલમાં નંબર-1 સ્થાન પર રહેશે, જ્યારે ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટમાં તેની હાર તેને WTC પોઈન્ટ ટેબલમાં નુકસાન પહોંચાડી શકે છે.