કેપટાઉન ટેસ્ટમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમને થયો ફાયદો, WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી
ભારત સીરિઝને 1-1થી બરાબર કરવામાં સફળ રહ્યું
India vs South Africa : ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને કેપટાઉનમાં પ્રથમ વખત ટેસ્ટ મેચમાં હરાવીને ઈતિહાસ રચતા સીરિઝ પણ 1-1થી બરાબર કરી લીધી છે, અને આ ભવ્ય જીત સાથે જ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારતીય ટીમે કેપટાઉન ટેસ્ટ (Cape Town)માં સાઉથ આફ્રિકાને બીજા દિવસે જ 7 વિકેટ હરાવ્યું હતું.
ભારતે પોઈન્ટ ટેબલમાં છલાંગ લગાવી
રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ સાઉથ આફ્રિકા સામે સેન્ચ્યુરીયન ટેસ્ટ (centurion test)માં એક ઈનિંગ અને 32 રનથી હારી ગયા બાદ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે સરકી ગઈ હતી, જો કે કેપટાઉન ટેસ્ટ જીતવાની સાથે જ ભારતે સાઉથ આફ્રિકાની ટીમને ટોચના સ્થાનેથી હટાવીને સીધી જ ટોપ પર પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકાને સામે જીતમાં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત સામેની હાર બાદ સાઉથ આફ્રિકાની જીતની ટકાવારીમાં ઘટીને 50 ટકા થઈ ગઈ છે જ્યારે ભારતની 54.16 થઈ છે. આ સાથે જ ભારત સીરિઝને 1-1થી બરાબર કરવામાં સફળ રહ્યું હતું.
WTCના પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર
ભારતની કેપટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે એકતરફી જીતને કારણે WTCના પોઈન્ટ ટેબલમાં પણ ઘણો મોટો ફેરફાર થયો છે. ભારતીય ટીમ 4 મેચમાં 2 જીત, 1 હાર અને 1 ડ્રો સાથે કુલ 26 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે જ્યારે દક્ષિણ આફ્રિકા 2 મેચમાં 1 જીત અને 1 હાર સાથે બીજા સ્થાને તેમજ ન્યુઝીલેન્ડે 2 ટેસ્ટ મેચમાં 1 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે.