IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફી પછી હવે ત્રણ વખત થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો ક્યારે રમાશે એશિયા કપ
Asia Cup 2025, IND vs PAK: તાજેતરમાં જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને થયા હતા. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સરળતાથી હરાવ્યું. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની સફરનો અંત આવી ગયો છે. પરંતુ હજુ ક્રિકેટ ચાહકોના મનમાં એક સવાલ છે કે, હવે ક્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો સામ-સામે ટકરાશે? જો તમે ભારત-પાકિસ્તાન મેચ જોવા માંગતા હોવ તો આ તમારા માટે સારા સમાચાર છે. એટલે કે હવે ટૂંક સમયમાં તમને ફરી એકવાર ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા મળશે.
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાની તમામ મેચ દુબઈમાં યોજવા અંગે ટીકાકારોને વસીમ જાફરનો સજ્જડ જવાબ
હવે ભારત અને પાકિસ્તાન ક્યારે ટકરાશે?
મીડિયાના અહેવાલ પ્રમાણે એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપને મંજૂરી આપી દીધી છે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં આયોજિત થઈ શકે છે. અને એશિયા કપની યજમાની શ્રીલંકાને મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, શ્રીલંકા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ને એશિયાનું આયોજન મળી શકે છે. આ ઉપરાંત આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે, એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન સહિત 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં રહેશે. જો આવું થાય તો ભારત અને પાકિસ્તાનની ટીમો ટુર્નામેન્ટમાં 3 વખત એકબીજા સામે આવી શકે છે.
... તો શું એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટીમો 3 વાર સામ-સામે ટકરાશે?
ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ મેચ સિવાય સુપર-4 રાઉન્ડમાં ટકરાઈ શકે છે. આ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ પણ શક્ય છે. જો આવું થાય તો આપણે ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ જોવા મળી શકે છે. જોકે, હજુ સુધી અધિકૃત રીતે હજુ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. એશિયા કપના શેડ્યૂલ, યજમાન, ફોર્મેટ અને ટીમ વિશેની અધિકૃત માહિતી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શ્રીલંકા ઉપરાંત એશિયા કપ 2025નું આયોજન (UAE) ને પણ આપવામાં આવી શકે છે.