ભારતની મેન્સ અને વિમેન્સ હોકી ટીમનો વિજયી શુભારંભ
- ટોકિયોની ઓલિમ્પિક ટેસ્ટિંગ હોકી ટુર્નામેન્ટ
- વિમેન્સ ટીમે ૨-૧થી જાપાનને અને મેન્સ ટીમે ૬-૦થી મલેશિયાને હરાવ્યું
ટોકિયો, તા.૧૭
ભારતની મેન્સ અને વિમેન્સ ટીમોએ ટોકિયોમાં શરૃ થયેલી ઓલિમ્પિક ટેસ્ટિંગ હોકી ટુર્નામેન્ટમાં વિજયી શુભારંભ કર્યો હતો. ભારતીય મેન્સ ટીમે ૬-૦થી મલેશિયાને સજ્જડ પરાજય આપ્યો હતો. જ્યારે ભારતની મહિલા હોકી ટીમે ૨-૧થી જાપાન સામે ભારે લડાયક દેખાવ કરતાં જીત હાંસલ કરી હતી. હવે આવતીકાલે ભારતીય વિમેન્સ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જે મેચ સવારે ૬.૦૦ વાગ્યાથી શરૃ થશે. જ્યારે ભારતીય મેન્સ ટીમનો મુકાબલો બપોરે ૩.૩૦ વાગ્યાથી ન્યૂઝીલેન્ડ સામે થશે.
જાપાન સામેના બરોબરીના મુકાબલામાં ગુરજીત કૌરે ભારતે ૯મી મિનિટે સરસાઈ અપાવી હતી. જોકે જાપાનને બરોબરી અપાવતા ૧૬મી મિનિટે અકી મિત્સુહાકીએ ગોલ નોંધાવ્યો હતો. આ પછી ગુરજીતે ૩૫મી મિનિટે વધુ એક ગોલ ફટકાર્યો હતો, જે આખરે ભારત માટે નિર્ણાયક સાબિત થયો હતો. ભારતની મેન્સ ટીમે મલેશિયા સામે અત્યંત પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. ગુરસાહિબજીત સિંઘ અને મનદીપ સિંઘે બે-બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે વરૃણ કુમાર અને એસ.વી. સુનિલે એક-એક ગોલ નોંધાવ્યો હતો.