ફાઈનલમાં જીત નક્કી હતી પરંતુ આ 6 કારણે હાર્યું ભારત, જાણો શા માટે વર્લ્ડ ચેમ્પિયનનું સપનું રહ્યું અધૂરું

વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમની 6 વિકેટથી હાર થઈ

છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ટીમ ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
ફાઈનલમાં જીત નક્કી હતી પરંતુ આ 6 કારણે હાર્યું ભારત, જાણો શા માટે વર્લ્ડ ચેમ્પિયનનું સપનું રહ્યું અધૂરું 1 - image

World cup 2023 final : ICC વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમની 6 વિકેટથી હાર થઈ અને ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું છે. ત્યારે ઓસ્ટ્રેલિયા જેવી ટીમે ભારતની ધરતી પર જ ભારતને હરાવ્યું છે. ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં નિષ્ફળ સાબિત થઈ છે. ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું.

આવો નજર કરીએ ભારતીય ટીમની હારના મુખ્ય 6 કારણો પર...

1. ટૉસ

જાણકાર પહેલાથી એવું કહી રહ્યા હતા કે, અમદાવાદની પિચ પર ટૉસ જીતવો ખુબ મહત્વનો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. ભારતને પહેલા બેટિંગ આપી હતી.

2. ટોપ બેટિંગ ઓર્ડર ફેલ

બીજું મુખ્ય કારણ, ટૉસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો એક બાદ એક આઉટ થયા રહ્યા. ઓસ્ટ્રેલિયાના બોલરોએ શાનદાર બોલિંગ કરી, પરંતુ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ અનેક વખત બેદરકારી ભર્યા શોટ રમ્યા અને પોતાની વિકેટો ગુમાવી. ટીમ ઈન્ડિયા માટે માત્ર વિરાટ કોહલી અને કે.એલ રાહુલ 50 રનનો આંકડો આંબી શક્યા, આ સિવાય બાકીના બેટ્સમેનોનો ફ્લોપ શો જોવા મળ્યો. જેમાં ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ 47 રન બનાવ્યા હતા. જોકે શુભમન ગિલ માત્ર 4 રન પર આઉટ થયો. ત્યારબાદ વિરાટ કોહલીએ 54 રનની ઈનિંગ રમી. જોકે શ્રેયસ અય્યર માત્ર 4 રન પર આઉટ થયો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા 9 રને આઉટ થયો. આ ટૉપ બેટિંગ ઓર્ડર નિષ્ફળ સાબિત થયું.

3. મિડલ ઓર્ડરની સ્લોવ બેટિંગ

ત્રીજુ મુખ્ય કારણ એ છે કે, મિડલ ઓર્ડર સ્લોવ બેટિંગ. જેમાં કે.એલ રાહુલે 107 બોલમાં માત્ર 66 રન બનાવ્યા જ્યારે સૂર્યકુમાર યાદવે 28 બોલમાં માત્ર 18 રન બનાવ્યા. આમ મિડલ ઓર્ડરના બેટ્સમેન પણ નિષ્ફળ રહ્યા.

4. બોલર્સનું ખાસ પરફોર્મન્સ નહીં

ચોથું કારણ એવું છે કે, સારા સારા બોલરો ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો સામે ફ્લોપ સાબિત થયા. જસપ્રીત બુમરાહ સિવાય મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે નિરાશ કર્યા. ટીમ ઈન્ડિયાના બોલરો મહામુકાબલામાં નબળા નજરે પડ્યા.મેચમાં બીજી ઈનિંગમાં બોલિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 6.6 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ઝડપી હતી. પરંતુ ત્યારબાદ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની જોડી જામી ગઈ હતી. ટ્રેવિસે 130 જ્યારે માર્નસે 53 રન બનાવ્યા હતા. બંનેએ જબરદસ્ત ઈનિંગ રમતા ભારતીય બોલર્સ વિકેટ માટે તરસતા રહ્યા.

ભારતીય બોલરોએ એક્સ્ટ્રા રન આપ્યા. ખાસ કરીને શરુઆતની ઓવરમાં મોહમ્મદ શમી પોતાની લાઈન અને લેન્થથી ભટકતા નજરે પડ્યા. આ સિવાય બાકીના બોલરોનો પણ આ જ હાલ રહ્યો. ટીમ ઈન્ડિયાના બોલરો સતત ખરાબ લેન્થ પર બોલિંગ કરતા રહ્યા, અંતે કાંગારૂ બેટ્સમેનો સરળતાથી રન બનાવતા રહ્યા. આ સિવાય વિકેટકીપર કે.એલ રાહુલે કેટલીક વખત મિસફીલ્ટ કરી. ભારતીય બોલરોએ 18 વધારાના રન આપ્યા, જેમાં 7 બાય અને 11 વાઈડ સામેલ છે.

5. ફિલ્ડિંગ પણ ખાસ નહીં, રન આઉટના મોકા ગુમાવ્યા

ભારતીય ટીમની ફિલ્ડિંગ પણ ખાસ ન રહી. ભારતીય બેટ્સમેન માત્ર 240 રન બનાવી શક્યા. તેવામાં ભારતીય ફિલ્ડરો પાસે કડક ફિલ્ડિંગની આશા હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના ફીલ્ડરોએ ખરા ટાણે નિરાશ કર્યા. ભારતીય ફિલ્ડરોએ રન આઉટના મોકા ગુમાવ્યા. અંતે રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. કારણ કે, ટ્રેવિસે 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. તો ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ સરળતાથી રન બનાવી લીધા.

6. છઠ્ઠા બોલરની ખોટ દેખાઈ

ભારતીય ટીમની ફાઈનલમાં રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ એમ 5 બોલર હતા. પરંતુ જાણકારોના મતે છઠ્ઠા બોલરની ટીમમાં જરૂર હતી. આર.અશ્વિન, હાર્દિક પંડ્યા જેવા બોલરની ખામી વર્તાઈ હતી.

ICC ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન (2013 પછી):

  • 2014- T20 વર્લ્ડ કપ ફાઇનલમાં હાર
  • 2015- ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર
  • 2016- T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર
  • 2017- ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાર
  • 2019- ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર
  • 2021- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર
  • 2022- T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર
  • 2023- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર
  • 2023- ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત બન્યું ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટથી હરાવી દીધું. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને તેમણે 42 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો. ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે 137 રનોની મેચ વિનિંગ ઈનિંગ રમી. માર્નસ લાબુશેન પણ 58 રન બનાવીને અણનમ રહ્યા. ટાર્ગેટનો પીછો કરતા કાંગારુ ટીમે 47 રનો પર જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાદમાં માર્નસ લાબુસેન અને ટ્રેવિસ હેડે 192 રનોની પાર્ટનરશિપ કરીને મેચને એકતરફી બનાવી દીધી.


Google NewsGoogle News