Get The App

અંડર 19 એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતનો 59 રને પરાજય, બાંગ્લાદેશ બન્યું ચેમ્પિયન

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
અંડર 19 એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતનો 59 રને પરાજય, બાંગ્લાદેશ બન્યું ચેમ્પિયન 1 - image
image : instagram

Under-19 Asia Cup, Bangladesh became champion : અંડર-19 એશિયા કપ 2024નો ખિતાબ બાંગ્લાદેશે પોતાની નામે કરી લીધો છે. તેણે ફાઇનલમાં આઠ વખતના વિજેતા એવા ભારતને 59 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રિઝાન હુસૈને સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. તેમના સિવાય મોહમ્મદ શિહાબ જેમ્સે 40 રન અને ફરીદ હસને 39 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી સાત બોલરોને અજમાવવામાં આવ્યા હતા અને તેમાંથી છને વિકેટ મળી હતી. જવાબમાં ભારતીય ટીમ 35.2 ઓવરમાં 139 રનમાં સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી ઈકબાલ હુસૈન ઈમોને 17 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

ફાઇનલમાં ભારતનો પહેલી વખત પરાજય 

અંડર 19 એશિયા કપની ફાઇનલમાં ભારતનો પહેલી વખત પરાજય થયો છે. આ પહેલા ભારતે સાત વખત સીધી જીત મેળવી હતી અને એક વખત ભારત સંયુક્ત વિજેતા બન્યુ હતું. ભારતે છેલ્લે વર્ષ 2021માં આ ખિતાબ જીત્યો હતો. બાંગ્લાદેશે 2023માં પહેલી વખત અંડર-19 એશિયા કપ જીત્યો હતો. ત્યારબાદ તેણે ટાઈટલ મેચમાં યુએઈને હરાવ્યું હતું. હવે ભારતને હરાવીને બાંગ્લાદેશ ટુર્નામેન્ટની બીજી સૌથી સફળ ટીમ બની ગઈ છે.

ભારતીય બેટરો ધરાશાયી

લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમને બાંગ્લાદેશી ટીમની જબરદસ્ત સ્લેજિંગનો સામનો કરવો પડ્યો હતો. આયુષ મ્હાત્રે એક રન કરીને બીજી ઓવરમાં જ આઉટ થઇ ગયો હતો. વૈભવ સૂર્યવંશીએ બે ચોગ્ગા ફટકાર્યા પરંતુ ફરી મોટો શોટ રમવા જતા તે વિકેટની પાછળ કેચઆઉટ થઈ ગયો હતો. આન્દ્રે સિદ્ધાર્થ 20 અને કેપી કાર્તિકેય 21 રન કરી પવેલિયન પરત ફર્યા હતા. ત્યાર પછી ઈમોને નિખિલ કુમાર (0) અને હરવંશ પંગાલિયા (6)ને પણ આઉટ કરીને ભારતનો સ્કોર છ વિકેટે 81 રન સુધી પહોંચાડ્યો હતો. કિરણ ચોરમલે પણ એક રન બનાવી શક્યો હતો. કેપ્ટન મોહમ્મદ અમાને 65 બોલમાં 26 રન બનાવ્યા બાદ સ્પિનર અઝીઝુલ હકીમના હાથે બોલ્ડ થયો હતો. તમામ ભારતીય બેટરો બાંગ્લાદેશના બોલરો સામે તાકી શક્યા ન હતા.

આ પણ વાંચો : IND vs AUS : ભારતની હારના પાંચ મોટા કારણ, કાંગારુંઓ સામે રોહિત સેનાએ કરી આ ભૂલો

મોહમ્મદ શિહાબ અને રિઝાન હુસૈનની મહત્ત્વની ઈનિંગ

આ પહેલા ભારતની શાનદાર બોલિંગના કારણે બાંગ્લાદેશી બેટરો મુક્તપણે બેટિંગ રમી શક્યા ન હતા. યુદ્ધજીત ગુહા અને ચેતન શર્માએ બાંગ્લાદેશી ઓપનરોને પરત મોકલી દીધા હતા. કેપ્ટન અઝીઝુલ 16 રન બનાવી શક્યો હતો. પરંતુ મોહમ્મદ શિહાબ અને રિઝાન હુસૈને મહત્ત્વની ઈનિંગ રમી હતી, અને તેણે ટીમને સારી સ્થિતિમાં લઇ ગયો હતો. ભારત તરફથી ગુહા, ચેતન અને હાર્દિક રાજે બે-બે વિકેટ લીધી હતી.

અંડર 19 એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતનો 59 રને પરાજય, બાંગ્લાદેશ બન્યું ચેમ્પિયન 2 - image


Google NewsGoogle News