જ્યાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ જીત્યો ત્યાં કર્ફ્યૂ જેવી હાલત, ખેલાડીઓ હોટેલમાં કેદ! જાણો કારણ
T20 World Cup 2024 | T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ બેરીલ વાવાઝોડાને કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા આજે બાર્બાડોસથી ન્યૂયોર્ક પહોંચવાની હતી અને પછી ભારત જવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે આવું થઈ શક્યું નહીં. બાર્બાડોસમાં બેરીલ વાવાઝોડાની ઈફેક્ટને લીધે ત્યાંનું એરપોર્ટ પણ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
ક્યાં સુધી અટવાઈ રહેશે ટીમ?
એટલા માટે હવે હવામાનમાં સુધારો થયા બાદ અને બાર્બાડોસ એરપોર્ટ પર કામગીરી ફરી શરૂ થયા બાદ ભારતીય ટીમ સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જશે. બાર્બાડોસમાંથી બહાર નીકળવા માટે ટીમ ઈન્ડિયાને સોમવારે મોડી સાંજ અથવા મંગળવારે સવાર સુધી રાહ જોવી પડી શકે છે. ટીમ અને સ્ટાફ બાર્બાડોસથી સીધો દિલ્હી જશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ 3 જુલાઇ સુધીમાં દેશમાં પહોંચી શકે છે.
ટીમ ઈન્ડિયા હોટેલમાં જ કેદ!
એક જાણીતા મીડિયાએ જણાવ્યું કે બાર્બાડોસ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે અહીં કર્ફ્યુ જેવી સ્થિતિ છે અને કોઈને પણ ઘરની બહાર નીકળવાની છૂટ નથી. બેરીલ તોફાન આગામી 6 કલાકમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. ઝરમર વરસાદ શરૂ થયો છે. બેરીલને કેટેગરી 4 (બીજા સૌથી ગંભીર તોફાન)માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા હોટલની અંદર જ રોકાશે. આગામી 24 કલાકમાં શું થવાનું છે તેની કોઈને ખબર નથી. પ્રવાસ યોજનાઓ અંગે હજુ પણ અનિશ્ચિતતા છે.